રાયપુર: છત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે સરકારી શાળાઓ વિદ્યાર્થીઓને હિન્દુ પ્રાર્થનાઓ અથવા વૈદિક સ્તોત્રોનું પઠન કરવા માટે ફરજિયાત કરી શકે નહીં. કોર્ટે આ નિર્ણય દેશના બંધારણીય અધિકાર ધાર્મિક સ્વતંત્રતા અને અંતઃકરણની સ્વતંત્રતાને આધારે આપ્યો છે.
આ મામલો રાજ્ય સરકારના એક પરિપત્રને લઈને ઊભો થયો હતો, જેમાં સવારની પ્રાર્થના સભામાં સરસ્વતી વંદના અને ગાયત્રી મંત્ર સહિત વૈદિક મંત્રોનું પઠન ફરજિયાત કરવાનું જણાવવામાં આવ્યું હતું. અરજદારોએ આ પરિપત્રને પડકારતી અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે આ પરિપત્ર અમલમાં મૂકવામાં આવ્યો નથી અને કોઈ પણ સરકારી શાળામાં તેનો અમલ થયો નથી. આ માહિતીને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે.
તેમ છતાં, કોર્ટે અરજદારોને મહત્વની છૂટ આપી છે. જો ભવિષ્યમાં કોઈ સરકારી શાળા વિદ્યાર્થીઓને આવી ધાર્મિક પ્રાર્થનાઓમાં ભાગ લેવા માટે દબાણ કરે તો અરજદારો ફરીથી કોર્ટના દ્વારે આવી શકશે. આ ચુકાદાએ શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણીય મૂલ્યોના સંરક્ષણના મુદ્દાને ફરી એક વાર સામે લાવ્યો છે. કોર્ટના આ અવલોકનને શિક્ષણ ક્ષેત્રે ધર્મ નિરપેક્ષતાના સિદ્ધાંતને મજબૂત કરતું માનવામાં આવી રહ્યું છે.











