નવસારી/ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીઓમાં બોગસ આદિવાસી (ST) પ્રમાણપત્રોના આધારે નોકરી મેળવતા બિન-આદિવાસી ઉમેદવારોની માહિતી છુપાવવાના આરોપો વચ્ચે આદિવાસી સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે. આ બાબતે યુથ લીડર ડો. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
છેલ્લા પાંચ વર્ષ (2021થી 2026) દરમિયાન ST કેટેગરી હેઠળ પસંદગી પામેલા ઉમેદવારોમાં ‘રબારી’, ‘ચારણ’ અને ‘ભરવાડ’ જ્ઞાતિના કેટલા ઉમેદવારોનો સમાવેશ થયો છે તેની વિગતો મેળવવા વલસાડના જાગૃત નાગરિક શ્રી મુકેશભાઈ ઠાકોરભાઈ પટેલે RTI અરજી કરી હતી. તેમજ આ પ્રમાણપત્રોની સ્ક્રુટિની સમિતિ દ્વારા કેટલા પ્રમાણપત્રો રોકાયા કે રદ થયા તેની માહિતી માંગવામાં આવી હતી. જવાબમાં ગૌણ સેવા પસંદગી મંડળે કલમ-7(9)નો આશરો લઈને માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. મંડળે કહ્યું કે “માહિતી શોધવામાં કચેરીના તમામ સ્ત્રોતો અને માનવ કલાકો રોકાઈ જશે” તેથી માહિતી આપવી શક્ય નથી. આ જવાબને આદિવાસી આગેવાનોએ સરકારી તંત્ર દ્વારા બોગસ પ્રમાણપત્ર ધારકોને છાવરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
ડો. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે સરકારી ભરતીઓમાં પારદર્શિતા જાળવવી અનિવાર્ય છે. તેમણે માંગ કરી છે કે:
• છેલ્લા 5 વર્ષમાં કેટલા ખોટા આદિવાસી પ્રમાણપત્રો પકડાયા અને કેટલા ઉમેદવારોના એપોઇન્ટમેન્ટ લેટર રોકાયા તેનો સત્તાવાર શ્વેતપત્ર બહાર પાડવામાં આવે.
• શંકાસ્પદ પ્રમાણપત્રોની તપાસ માટે 3 મહિનાની સમયમર્યાદા નક્કી કરીને કાયદેસર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.
• જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી માત્ર નિર્વિવાદ આદિવાસી ઉમેદવારોને જ નિમણૂક પત્ર આપવામાં આવે.
• ભરતી બોર્ડ પાસે ઉપલબ્ધ તમામ ડેટા ઓનલાઈન સાર્વજનિક કરવામાં આવે.
ડો. પટેલે ચેતવણી આપી છે કે જો સરકાર આ બાબતે સત્વરે કડક વલણ અપનાવશે નહીં તો લાખો ભણેલા-ગણેલા આદિવાસી યુવાનોમાં આક્રોશ વધશે અને આંદોલનો અનિવાર્ય બનશે. તેમણે મુખ્યમંત્રીને ઉચ્ચ સ્તરીય SIT તપાસ સમિતિની રચના કરીને સાચા આદિવાસીઓને ન્યાય અપાવવાની અપીલ કરી છે. બંધારણની કલમ-342 હેઠળ આદિવાસીઓને અપાયેલા અનામતનો લાભ બિન-આદિવાસીઓ બોગસ પ્રમાણપત્રો દ્વારા ઉઠાવી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે આ મુદ્દો રાજ્યની રાજકીય અને સામાજિક ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.











