રાજપીપળા: આમ આદમી પાર્ટીના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લાની રાજપીપળા / નર્મદા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ A.V. હીરપરાએ 23 જૂન 2026ના રોજ 7 વર્ષની સખત કેદ અને 25,000નો દંડની સજા કરી છે. આ સજા તેમના પત્ની શકુંતલાબેન વસાવા સહિત કુલ 9 આરોપીઓને કરી છે.
આ ઘટના 30 ઑક્ટોબર 2023ના રોજ બની હતી. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં તેમની સામે IPC કલમ- 143, 147, 148, 149, 186, 189, 332, 353, 386, 294(b), 506(2), 34 તથા Arms Act કલમ -25(1)(a) હેઠળ FIR થઈ હતી. ચૈતર વસાવા સામે વન વિભાગના અધિકારીઓને ઘરે બોલાવી મારપીટ કરવાનો, ધમકી આપવાનો, સરકારી ફરજમાં અવરોધ કરવાનો અને ખંડણી (extortion) માંગવાનો તથા હવામાં ગોળી ચલાવવાનો આરોપ હતો.
આ સજા 2 વર્ષથી વધુ હોવાથી તેમનું ધારાસભ્ય પદ આપોઆપ જ રદ થઈ ગયું છે. અપીલ માટે હાઈકોર્ટમાં જઈ શકે છે. બીજી તરફ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની સામે સરકારે રાજદ્રોહનો કેસ પરત ખેંચતા કોર્ટે તેમને ‘ક્લિન ચિટ’ આપી છે. અગાઉ તેમની સામેના કેસો સરકારે પરત ખેંચ્યા હતા.
હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી પાટલી બદલી ભાજપમાં જોડાતા કેસરિયા વોશિંગ મશીનથી રાજદ્રોહી મટી સજ્જન/ દેવદૂત બની ગયા ! જો ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં સામેલ થયા હોત તો કોર્ટે પુરાવાના અભાવે તેમને છોડી મૂક હોત! જે ગુનો કરે તેને સજા થવી જોઈએ. પરંતુ થાય છે શું ? કોને સજા થાય છે? જે સત્તા સામે બોલે તેને. વિપક્ષમાં હોય તેને. સત્તાપક્ષમાં હોય તેને કાયદો કંઈ કરી શકતો નથી! શું આને કાયદાનું શાસન કહેવાય કે મનસ્વીતાનું?
BY: રમેશ સવાણી [23 જૂન 2026]











