વલસાડ: પારડી તાલુકાના ડુમલાવ ખાતે BIC Cello કંપનીના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવા માટે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા વલસાડ જિલ્લાના ધારાસભ્ય અનંત પટેલે કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યક્રમમાં કંપનીના અનેક કર્મચારીઓએ હાજરી આપીને સમસ્યાઓ રજૂ કરી હતી. કર્મચારીઓએ મુખ્યત્વે વેતન, લેબર વેલ્ફેર, કાર્યસ્થળની સુરક્ષા અને અન્ય પડતર મુદ્દાઓ અંગે વાત કરી હતી. ધારાસભ્ય અનંત પટેલે કર્મચારીઓની તમામ ફરિયાદો ધ્યાનથી સાંભળી અને તેના નિવારણ માટે સંબંધિત અધિકારીઓ સાથે વાત કરવાની તેમજ કંપની વ્યવસ્થાપન સાથે ચર્ચા કરીને ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.
કાર્યક્રમમાં કર્મચારીઓએ કહ્યું કે તેઓ લાંબા સમયથી અમુક મુદ્દાઓને લઈને પરેશાન છે અને આ સંવાદથી તેઓને આશા જાગી છે. ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, “કર્મચારીઓના હક્કોની રક્ષા કરવી એ સરકાર અને લોકપ્રતિનિધિઓની જવાબદારી છે. અમે આ મુદ્દાઓને યોગ્ય મંચે ઉઠાવીશું અને ન્યાય મળે તેની ખાતરી કરીશું.”











