સાગબારા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણ કરવાના મુદ્દે આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. સાગબારાના હલગામ, પારડી અને ખોપી સહિતના ગામોના આદિવાસી ખેડૂતો વર્ષોથી આ જમીન પર ખેતી કરતા હોવાના દાવા સાથે ખેડાણ કરવા પહોંચતા તંગદિલી સર્જાઈ હતી.

સ્થાનિક આદિવાસી ખેડૂતોના જણાવ્યા મુજબ, તેઓ પેઢીઓથી આ જમીન પર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તાજેતરમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના આહવાન બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો પોતાના હળ અને અન્ય કૃષિ સાધનો સાથે જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા અને જમીનનું ખેડાણ શરૂ કર્યું હતું. જંગલ જમીન પર ખેડાણ શરૂ થયાની જાણ થતાં જ વન વિભાગની ટીમ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી ખેડાણ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન ખેડૂતો, વનકર્મીઓ અને પોલીસ વચ્ચે ભારે ખેંચતાણ અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના સ્થળે પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતો પોતાના જમીન હક્ક માટે અડગ રહેતા સમગ્ર સાગબારા પંથકમાં હાલ વાતાવરણ ગરમાયેલું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here