ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી તામછડી અને આસપાસની 26 શાળાઓના 2,920 વિદ્યાર્થીઓને અંદાજે 40 લાખની ગણવેશ, દફતર, નોટબુક અને અન્ય શૈક્ષણિક સામગ્રી વિતરિત કરવાના મહત્વપૂર્ણ સેવાયજ્ઞમાં છાંયડો સંસ્થા અને માનવ સેવા સંઘે માનવતાભર્યું કાર્ય કર્યું છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ અવસરે માત્ર શિક્ષણની સામગ્રી જ વિતરિત કરવામાં આવી નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, માતા-પિતા પ્રત્યે આદરભાવ અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યોનું સિંચન કરવાનો પણ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. સંસ્થાના સ્વયંસેવકોએ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સારા વ્યક્તિત્વ અને દેશભક્તિના મહત્વ વિશે જાગૃતિ અપાવી છે. આ કાર્યક્રમ દરમિયાન સ્વયંસેવકોને ગ્રામ્ય જીવનની સાદગી, બાળપણની નિર્દોષ મસ્તી અને કુદરતી કૌશલ્યોના દર્શન કરવાનો અમૂલ્ય અવસર મળ્યો. દૂર-સુદૂરના આ વિસ્તારોમાં રહેતા બાળકોની નિર્દોષતા અને તેમની ઉત્સુકતાએ દરેકના હૃદયને સ્પર્શી લીધું.

છાંયડો સંસ્થા અને માનવ સેવા સંઘના સભ્યોએ જણાવ્યું કે, “શિક્ષણ એ માત્ર પુસ્તકો અને ગણવેશ સુધી મર્યાદિત નથી, પરંતુ તે સાથે સંસ્કાર અને મૂલ્યોનું ઘડતર પણ જરૂરી છે. અમારો પ્રયાસ છે કે આ બાળકો ભવિષ્યમાં સારા નાગરિક અને દેશપ્રેમી બને.” આદિવાસી યુથ લીડર ડો. હેમંત પટેલ જણાવે છે કે આવા સેવાકીય પ્રયાસો ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણના પ્રસાર સાથે સમાજના મૂલ્યોને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here