વલસાડ : આજથી 96 વર્ષ પહેલાં, 21 મે 1930ના રોજ વલસાડ જિલ્લાના ધરાસણા ગામે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ચાલેલા મીઠાના સત્યાગ્રહની એક અમર અહિંસક ઘટનાએ દુનિયાને ભારત તરફ જોવા મજબૂર કરી દીધી હતી. બ્રિટિશ સરકારના અન્યાયી મીઠા કરવેરા વિરુદ્ધના આ આંદોલને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત પાયો બન્યો એમ કહી શકાય. ગાંધીજીએ 6 એપ્રિલ 1930 ના રોજ દાંડીમાં મીઠાનો કાયદો તોડ્યા બાદ ધરાસણાના સરકારી મીઠાના અગરા પર અહિંસક દરોડો પાડવાની જાહેરાત કરી હતી.

આ આંદોલન શરૂ થાય તે પહેલાં જ 4 મે 1930ના રોજ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ અબ્બાસ તૈયબજી અને પછી સરોજિની નાયડુના નેતૃત્વમાં હજારો સત્યાગ્રહીઓએ કૂચ ચાલુ રાખી. 21 મેના રોજ સત્યાગ્રહીઓની ટુકડીઓએ મીઠાના અગરાને ઘેરવાનો પ્રયાસ કર્યો. બ્રિટિશ પોલીસ અને સૈનિકોએ લાઠીચાર્જ કરીને ઘાતક અત્યાચાર કર્યો. અહિંસક સત્યાગ્રહીઓએ કોઈ પ્રતિકાર કર્યા વગર માર સહન કર્યા. આ દૃશ્યે વિશ્વને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની તાકાત અને અહિંસાની શક્તિનો પરિચય આપ્યો. તે સમયે ગાંધીજીના આંદોલનને કવરેજ આપતાં પત્રકાર વેબ મિલરે આ ઘટનાનો વિસ્તૃત અહેવાલ આપ્યો હતો, જેણે આંતરરાષ્ટ્રીય મીડિયામાં બ્રિટિશ સરકારની ક્રૂરતાને તીવ્રપણે ઉજાગર કરી હતી.

આ આંદોલનમાં 2600થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો. 1300થી વધુ લોકો ઘાયલ થયા. ખેડાના ભાઇલાલભાઇ દાજીભાઇ પટેલ અને સુરતના નરોત્તમ નાથુભાઇ પટેલ જેવા શહીદોએ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. ધરાસણા સત્યાગ્રહે બ્રિટિશ સામ્રાજ્યની કાયદેસરતા પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કર્યું અને ભારતની સ્વતંત્રતાની લડતને વેગ આપ્યો. આ ઘટના અહિંસા અને સત્યાગ્રહના મહાન આદર્શનું પ્રતીક છે. આજે પણ તમે આ ઘટનાની યાદમાં બનેલું આ સ્મારક આપણને અન્યાય સામેની લડતમાં હિંસાને બદલે અહિંસા અને સત્યનું બળ વધુ મજબૂત હોય છે ની પ્રેરણા આપે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here