નાનાપોંઢા: ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લાના વાંસદા તાલુકાના નાનાપોંઢા સ્થિત એન.આર. રાઉત હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો યોગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો.
ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું કે, “યોગ એ આપણા પ્રાચીન ઋષિ-મુનિઓની અમૂલ્ય ભેટ છે. તે શરીર, મન અને આત્માના સમન્વય દ્વારા સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની પ્રેરણા આપે છે. આજના વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનમાં યોગ માનસિક શાંતિ, આત્મવિશ્વાસ અને સકારાત્મક ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત છે.” આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી અધિકારીઓ અને નાગરિકો સાથે યોગના મહત્વ વિશે વિસ્તૃત સંવાદ કરવામાં આવ્યો. ધારાસભ્યે સૌને અપીલ કરી કે યોગને દરરોજના જીવનનો અભિન્ન અંગ બનાવવો જોઈએ. તેમણે કહ્યું, “ચાલો, યોગને અપનાવીને સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ સમાજ અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનીએ.”
કાર્યક્રમમાં યોગ વિશેષજ્ઞો દ્વારા વિવિધ આસનો અને પ્રાણાયામનું પ્રદર્શન અને તાલીમ આપવામાં આવી. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો. આ કાર્યક્રમ યોગના લાભો વિશે જાગૃતિ ફેલાવવા અને તેને લોકજીવનમાં સમાવેશ કરવા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની રહ્યો છે.











