તાપી: ચૌધરી બોલીમાં “આન” તરીકે ઓળખાતું આ ફળ આજે વૈશ્વિક સ્તરે નોની (Noni) તરીકે પ્રસિદ્ધ છે. આદિવાસી સમાજની સમાજસેવિકા દમયંતીબહેન જણાવે છે કે, આ પ્રાકૃતિક ઔષધિને કુદરતી દવાઓનો ભંડાર માનવામાં આવે છે. તેમાં 150થી વધુ પોષક તત્વો હોવાનું કહેવાય છે જે 100થી વધુ બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ સાબિત થાય છે.
લગ્ન સીઝનમાં મોગરાના ફૂલોની અછત હોય ત્યારે આનના ફૂલને મોગરાના પાન વચ્ચે રાખીને વર-વધૂના માથે મૂકવામાં આવતા. તેની ખાસ સુગંધને કારણે તરત જ ઓળખાઈ જતું કે આ ફૂલ મોગરાનું નથી, પણ “આન”નું છે. દમયંતીબહેન કહે છે, “ગૂગલ અને આધુનિક વિજ્ઞાને છેલ્લા થોડા વર્ષોમાં જ આના (નોની) ગુણો વિશે વાત કરવાની શરૂઆત કરી છે, પણ આપણા આદિવાસી પૂર્વજોને તેના ઔષધીય ગુણોની જાણકારી સદીઓથી હતી.” ‘આન’નો સ્વાદ વિચિત્ર હોવાથી તેને સીધો ખાવામાં ઓછો ઉપયોગ કરવામાં આવતો, પરંતુ પૂર્વજોએ તેને રોજિંદા ખોરાકમાં સામેલ કરવાની વિશેષ પદ્ધતિઓ વિકસાવી લીધી હતી. આ રીતે તેઓ આ પ્રાકૃતિક ઔષધને પરિવારના આરોગ્ય માટે વાપરતા હતા.
આજે વિશ્વભરમાં નોની જ્યુસ, પાવડર અને કેપ્સ્યુલ તરીકે વેચાય છે, પરંતુ આદિવાસી સમાજમાં તેનું જ્ઞાન અને વારસો હજુ પણ જીવંત છે. આ એક એવું ઉદાહરણ છે જે દર્શાવે છે કે આદિવાસી સમાજનું પરંપરાગત જ્ઞાન આધુનિક વિજ્ઞાન કરતાં પણ આગળ હોઈ શકે છે. આદિવાસી વિસ્તારોમાં “આન”ના વૃક્ષોને સાચવવા અને તેના પરંપરાગત ઉપયોગને પ્રોત્સાહન આપવાની માંગ પણ વધી રહી છે.
BY: દમયંતી ચૌધરી











