નવસારી:  આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધોલાઈ ગામ અને અંબિકા નદીના કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) વિસ્તારમાં થતા ભારે અને ગેરકાયદે રેતી ખનનને કાયમી ધોરણે બંધ કરવા અને સ્થાનિક આદિવાસી તેમજ માછીમાર સમાજને વિસ્થાપનના જોખમમાંથી બચાવવા માટે ડો. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રીને વિગતવાર પત્ર લખ્યો છે.

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “પાયલોટ કટ” પ્રોજેક્ટના ઓઠા હેઠળ વગદાર અને ખનીજ માફિયાઓ દ્વારા CRZ વિસ્તારના નિયમોને નેવે મૂકીને મોટા પાયે કિંમતી સાદી રેતીનું વ્યાપારી ખનન કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર સદીઓથી સ્થાનિક આદિવાસી અને માછીમારોનું આજીવિકાનું મુખ્ય કેન્દ્ર છે.

મુખ્ય સમસ્યાઓ:
• અંબિકા નદી કિનારે અને દરિયા પાળ પર ભારે મશીનરી (હિટાચી, જેસીબી)ના ઉપયોગથી કિનારા ધોવાઈ રહ્યા છે અને દરિયાઈ પાળ નબળી પડી રહી છે, જેના કારણે ચોમાસા કે વાવાઝોડામાં આખું ધોલાઈ ગામ જળમગ્ન થઈ શકે છે.
• CRZ નિયમો મુજબ માત્ર મેન્યુઅલ (હાથ મજૂરી) પદ્ધતિથી ખનનની મંજૂરી હોવા છતાં મોટા પાયે મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી ઇકો-સિસ્ટમ અને માછલીઓના સંવર્ધન સ્થળો નષ્ટ થઈ રહ્યા છે.
• સ્થાનિક ગરીબ આદિવાસીઓ અને માછીમારોની પરમિટો નામંજૂર કરીને તેમને બેરોજગાર બનાવવામાં આવ્યા છે, જ્યારે વગદારોને ગેરકાયદે રીતે ખનનની છૂટ આપવામાં આવી છે.
• રોયલ્ટી ચોરી, ઓવરલોડ ટ્રકો અને હપ્તાખોરીનું સામ્રાજ્ય ચાલી રહ્યું છે. વિરોધ કરનારાઓને ધમકીઓ અને હુમલાઓનો સામનો કરવો પડે છે.

ડો. નિરવ પટેલની મુખ્ય માંગણીઓ:
• ધોલાઈ ગામ અને અંબિકા નદીના CRZ વિસ્તારમાં ભારે મશીનરી દ્વારા થતા રેતી ખનન પર તાત્કાલિક અને કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે.
• સ્થાનિક આદિવાસી અને માછીમારોને માત્ર મેન્યુઅલ પદ્ધતિથી કામ કરવાની કાયદેસર મંજૂરી આપવામાં આવે.
• આખા કૌભાંડની CBI અથવા સ્ટેટ વિજિલન્સ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે.
• ધોલાઈ ચેકપોસ્ટ પર ડિજિટલ સીસીટીવી અને વજનકાંટાનું ઓનલાઈન મોનિટરિંગ ગોઠવવામાં આવે અને ગેરકાયદે ટ્રકો જપ્ત કરવામાં આવે.

ડો. નિરવ પટેલે અપીલ કરી છે કે ગરીબ આદિવાસીઓ અને માછીમારો પોતાના વતનમાંથી વિસ્થાપિત ન થાય તે માટે મુખ્યમંત્રી તાત્કાલિક અને કડક આદેશો આપે. આ પત્રને લઈને સ્થાનિક આદિવાસી અને માછીમાર સમાજમાં ચર્ચા ચાલી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here