ધરમપુર: છેલ્લાં થોડા સમયથી ધરમપુર તાલુકાના રાજપુરી જંગલ ગામના વિસ્તારમાં પોતાની માલિકીની જમીન પર ખેતીકામ કરી રહેલા એક આદિવાસી ખેડૂત પર વન વિભાગના કર્મચારીઓએ ત્રાટકી તેમની સાધન-સામગ્રી જપ્ત કરી લેતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આદિવાસી ખેડૂતોનો આક્ષેપ છે કે વન વિભાગના અધિકારી રેણુકાબેન ભોયા દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવે છે અને ગેરકાયદેસર રીતે ખેડૂતોને ડરાવવામાં આવે છે.
મયુર મોકાશીના FB અહેવાલ અનુસાર: રાજપુરી ગામના ખેડૂત રાજેશભાઈ જાનુભાઈ વાલવણ એ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી જે જમીન પર ખેતી કરે છે તે તેમની સનદની જમીન છે. તેમણે જણાવ્યું કે, “હું મારી પોતાની જમીન પર ‘ટીંડોળી’નો પાક લેવા માટે તૈયારી કરી રહ્યો હતો. પાકને યોગ્ય સૂર્યપ્રકાશ મળે તે માટે મેં ખેતરની આજુબાજુ નડતરરૂપ ડાળીઓ કાપી હતી. હું કોઈ જંગલ કાપી રહ્યો નહોતો, માત્ર મારી ખેતીનું કામ કરી રહ્યો હતો. તે સમયે જ વન વિભાગના અધિકારીઓ ત્રાટક્યા અને મને ભયભીત કરીને મારી પાસેથી મોબાઈલ, દાતરડું અને અન્ય ખેતીના સાધનો ઝૂંટવી લીધા. મારી પોતાની જમીન પર ખેતી કરતા મને રોકવામાં આવ્યો તે અન્યાય છે.”
રાજેશભાઈના સમર્થનમાં એકઠા થયેલા ગ્રામજનો અને અન્ય આદિવાસી ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, “રેણુકાબેન ભોયા તેમની રેન્જમાં આવતા તમામ ગામના લોકો સાથે વારંવાર અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે અને ખેડૂતોને કાયદાનો ડર બતાવી હેરાન કરે છે. એક આદિવાસી ખેડૂતને પોતાની જમીન પર ખેતી કરતા અટકાવવો એ તેમના અધિકારોનું હનન છે.” ગ્રામજનોએ એકસૂરે આ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
બીજી તરફ, હનમંતમાળ રેન્જના રાઉન્ડ ફોરેસ્ટર રેણુકાબેન કાળુભાઈ ભોયાએ જણાવ્યું હતું કે, “પેટ્રોલિંગ દરમિયાન કમ્પાર્ટમેન્ટ નંબર ૨૬માં કેટલાક લોકો ઝાડ કાપતા જોવા મળ્યા હતા. વન સંરક્ષણ કાયદા હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવી એ મારી ફરજ છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ સામાન મૂકીને નાસી ગયા હતા. ત્યારબાદ ગામના આશરે ૫૦ લોકોએ ઓફિસે આવીને ઉગ્ર વર્તન કર્યું હતું.”
આ ઘટનાએ વન અધિકાર અધિનિયમ, 2006 (Forest Rights Act) ની જોગવાઈઓ સામે લાલબત્તી ધરી છે:
૧. વન અધિકાર: આદિવાસી ખેડૂતોને તેમની પરંપરાગત ખેતીની જમીન પર કાયદેસરનો હક છે.
૨. ગ્રામસભાની સત્તા: વન વિસ્તાર કે વિવાદાસ્પદ જમીન પર કોઈપણ કાર્યવાહી કરતા પહેલા ગ્રામસભાની મંજૂરી લેવી અનિવાર્ય છે.
૩. માનવીય અભિગમ: વન વિભાગ પાસે જપ્તીની સત્તા છે, પરંતુ સ્થાનિક આદિવાસી ખેડૂતો સાથે ગેરવર્તણૂક કરવી અને તેમને હેરાન કરવા તે વહીવટી મર્યાદા બહારનું ગણાય છે.
રાજપુરીના આદિવાસી ખેડૂતોએ હવે આ મામલે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી ન્યાયની માંગ કરવાની તૈયારી દર્શાવી છે.











