નવસારી: ગતરોજ નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે આજે જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને આરોગ્ય કર્મચારીઓની તાજેતરમાં કરવામાં આવેલી સામૂહિક બદલી રદ કરવા અને તેમને તેમની મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.

મંડળે જણાવ્યું છે કે, ચોમાસાની તૈયારી ચાલી રહી છે અને જિલ્લાના અમુક વિસ્તારોમાં રોગચાળાની દેહશત વ્યાપેલી છે. આવા સંવેદનશીલ સમયે જિલ્લામાં ૨૪ કલાક કન્ટ્રોલ રૂમ ડ્યુટી ચાલુ છે. વધુમાં ટીબી કંટ્રોલ પ્રોગ્રામ, લેપ્રસી સર્વે જેવા મહત્વના રાષ્ટ્રીય કાર્યક્રમો ચાલી રહ્યા છે અને આગામી સમયમાં પોલિયો રાઉન્ડ પણ આવવાનો છે. આરોગ્ય કર્મચારીઓએ ઉલ્લેખ કર્યો છે કે, પરિચિત વિસ્તાર અને વર્ષોના અનુભવવાળા કર્મચારીઓ દ્વારા જ આવી કામગીરી વધુ અસરકારક અને વ્યવસ્થિત રીતે પાર પાડી શકાય છે. બદલીને કારણે આ સેવાઓમાં વિક્ષેપ પડી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત કર્મચારીઓએ પગારના મુદ્દે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઘણા સમયથી પગાર ઓનલાઈન સોફ્ટવેર દ્વારા આપવાની વ્યવસ્થા છે, પરંતુ સર્વર ન ચાલવાને લીધે પગારમાં વારંવાર વિલંબ થઈ રહ્યો છે. આનાથી કર્મચારીઓનું આર્થિક આયોજન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. કર્મચારી મંડળે માંગ કરી છે કે, બદલી રદ કરવા સાથે પગાર અને અન્ય વહીવટી પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે.

જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ આવેદનપત્ર મેળવીને તેનો અભ્યાસ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ મુદ્દે વહીવટી સ્તરે શી નિર્ણય લેવામાં આવે છે તેના પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને જનસેવાની ગુણવત્તા નિર્ભર છે.