ડેડીયાપાડા: પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો અને દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારાઓ સામે સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહાર કરતાં કહ્યું કે “સમય આવશે ત્યારે ખુલ્લા પાડીશ” આવા લોકો સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે પક્ષ કે પદની પરવા કર્યા વિના આવા લોકોનો સમય આવ્યે જાહેરમાં ખુલાસો કરવામાં આવશે.
Decision News ને મળેલી માહિતી મુજબ ડેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે યોજાયેલી બેઠકમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા એ શિક્ષણ, રોજગાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા “હર હાથ ને કામ” જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના કેટલાક લોકો તરફથી પૂરતો સહકાર ન મળતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે સમાજના વિકાસ, શિક્ષણ અને રોજગારી માટે કરવામાં આવતા પ્રયાસોમાં કેટલાક તત્વો અવરોધરૂપ બની રહ્યા છે. વધુમાં તેમણે દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારાઓ સામે પણ આકરા શબ્દોમાં પ્રહાર કરતાં કહ્યું હતું કે આવા લોકો સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે પક્ષ કે પદની પરવા કર્યા વિના આવા લોકોનો સમય આવ્યે જાહેરમાં ખુલાસો કરવામાં આવશે. સાંસદે સમાજને વ્યસનમુક્ત બનાવવા, યુવાનોને શિક્ષણ અને રોજગારી તરફ પ્રેરિત કરવા તેમજ વિકાસના કાર્યોમાં સૌએ મળીને સહયોગ આપવાની અપીલ કરી હતી.
BY: નયનેશ તડવી











