નાનાપોંઢા: વેકેશન દરમિયાન પુષ્કળ ગરમીના સમયમાં રક્તદાન કેન્દ્રોમાં રક્તની અછત વર્તાય છે તેવા સમયે નાનાપોંઢા તાલુકાના મોટી વહિયાળ મુકામે પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, Rainbow warriors ધરમપુર, જય અંબે યુવક મંડળ ખાંભલા ફળિયા તથા ગ્રામ પંચાયત મોટી વહિયાળના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

જેનું ઉદ્ઘાટન પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા, મોટી વહિયાળ ગામના સરપંચ સુભાષભાઈ ભાવર, તાલુકા પંચાયત સદસ્ય હિતેશભાઈ પટેલ તથા સામાજિક કાર્યકર્તા જુગલભાઈ પટેલ મહેશભાઈ ગરાસીયા આરટીઓ કચેરી વલસાડના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહેમાનોનું પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી વહિયાળ ગામના સરપંચ શ્રી સુભાષભાઈએ ઉપસ્થિત સૌ મહેમાનો રક્તદાતાઓને આવકાર્યા હતા. તથા ગામમાં પ્રથમ વખત રક્તદાન કેમ્પના આયોજન બાબતે ખુશી વ્યક્ત કરી હતી.

વલસાડ રક્તદાન કેન્દ્રના શતકવીર રક્તદાતા તથા વલસાડ જિલ્લામાં 148 વાર રક્તદાન કરી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરનાર ભાવેશભાઈ રાયચાએ રક્તદાન સંબંધી સુંદર માહિતી પૂરી પાડી હતી એમણે જણાવ્યું હતું કે વેકેશનના સમયગાળા દરમિયાન રક્તદાન કેન્દ્રોમાં રક્તની ખૂબ જ આછત વર્તાય છે જેના કારણે થેલેસેમિયા, કેન્સર, સગર્ભા મહિલાઓ તથા અકસ્માતના સમયે રક્તની ખૂબ જ મુશ્કેલી પડે છે જેને નિવારવા માટે આ સમયગાળા દરમિયાન યુવાનોને આગળ આવી રક્તદાન કરવા માટે અપીલ કરી હતી. પાર્થિવ મહેતાએ પુષ્કળ ગરમીના સમયમાં રક્તદાન કરનારા સૌ રક્તદાતાઓને રક્તદાનના મહત્વ વિશે તથા રક્તદાનના કારણે અમૂલ્ય માનવ જિંદગી બચાવવાના ભગીરથ કાર્યમાં સહભાગી બનવા માટે રક્તદાતાઓનું યોગદાન બિરદાવ્યું હતું.

આ પ્રસંગે શીતળ છાયડો લાઇબ્રેરીના સ્થાપક જયંતીભાઈ પટેલ, પુખરાજ ધ્યાયવાલા (મેનેજર બી.આર ઇન્ટરનેશનલ સ્કૂલ ખારવેલ), ડૉ .વિરેન્દ્ર ગરાસીયા (ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક), ધીરુભાઈ નાયક (ઉપપ્રમુખ વાપી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ), દેવચંદભાઈ ગાવીત નિવૃત શિક્ષક, સુનિલભાઈ પટેલ (જીઈબી વલસાડ) ,પ્રો.ડૉ ભાવિકા પટેલ, રાજેશભાઈ પટેલ (આચાર્ય વનવાસી કલ્યાણ પરિષદ), નિમેષભાઈ (યુવા ભાજપ પ્રમુખ ) પ્રફુલભાઈ આહિર તથા ગામના યુવાનો આગેવાનો ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભુતા, યુ.બી બાવીસા સાહેબ (નાયબ માહિતી નિયામક -1 વલસાડ) તથા Rainbow warriors Dharampur તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.

મહેશભાઈ પાહુ માજી સરપંચ તથા અન્ય આગેવાનો દ્વારા તમામ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે જય અંબે યુવક મંડળ ખાંભલા ફળિયાના યુવાનો, આગેવાનો, મોટી વહિયાળ ગામના સરપંચ સુભાષભાઈ ભાવર, તાલુકા પંચાયત સદસ્ય હિતેશભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું આયોજન અને સંચાલન આશિષભાઈ, વિકાસભાઈ જગદીશભાઈ તથા Rainbow warriors Dharampur ના કો ઓર્ડીનેટર શંકરભાઈ પટેલે કર્યું હતું


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here