ઉમરગામ: રેલ્વે વિભાગ દ્વારા વલવાડા બંગલી ફળિયા ખાતે લેવલ ક્રોસિંગના સ્થાને ઓવરબ્રિજનું નિર્માણ કરવા માટે જમીન સંપાદન કરવામાં આવી રહી છે. આ દરમિયાન સ્થાનિક યુવાન સંદીપ પટેલે પોતાના ઘર, દુકાન અને અન્ય મિલકતનું વળતર ખૂબ જ ઓછું આંકવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્રે રી-સર્વે કરીને વ્યાજબી વળતર ચૂકવવાની અવગણના કરી છે અને હવે ધાકધમકી આપીને ઘર ખાલી કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સંદીપ પટેલના કહેવા મુજબ, વલવાડા બંગલી ફળિયા ખાતે સર્વે નંબર 471, 472 અને 475 વાળી સહિયારી જમીન સંયુક્ત નામે ચાલી આવે છે. આ જમીનમાં ઘર નંબર 1374 તેમના નામે નોંધાયેલ છે. રેલ્વે વિભાગે આ જમીન સંપાદિત કરતી વખતે તેમાં આવેલ રહેણાંકનું ઘર, દુકાન, બાથરૂમ તથા પાણીનું બોરીંગ પણ સંપાદનમાં સામેલ કર્યા છે. જોકે, સર્વેમાં કુલ 1200 ચોરસ ફૂટના ઘર અને 150 ચોરસ ફૂટની દુકાનનું પૂર્ણ ક્ષેત્રફળ નોંધવામાં આવ્યું નથી. તેમજ જમીનમાં આવેલા વૃક્ષોનો પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેનું વળતર સંદીપ પટેલને મળવાપાત્ર છે.

સંદીપે આરોપ લગાવ્યો છે કે સર્વેયરે ખોટું અને અધૂરું સર્વે કરીને તેમની સહી કરાવી લીધી હતી. કલેક્ટર કચેરીએ પણ મિલકતની કિંમત ગેરવ્યાજબી રીતે નક્કી કરી છે. આસપાસના વિસ્તારનું કોઈ વેલ્યુએશન કરવામાં આવ્યું નથી કે નિષ્ણાતની મદદથી બજાર કિંમત નક્કી કરવામાં આવી નથી. છતાં તંત્રે 2 એપ્રિલ 2026ના રોજ માત્ર 13.41 લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવ્યા છે, જે બજાર કિંમત કરતા ઘણા ઓછા છે. વળતર કેટલા ધોરણો પર નક્કી કરવામાં આવ્યું છે તે અંગેની કોઈ પૂછપરછનો જવાબ પણ આપવામાં આવતો નથી. સંદીપ પટેલે મુખ્યમંત્રીને અરજીમાં જણાવ્યું છે કે, “પૂરતું વળતર ચૂકવ્યા વગર ઘર ખાલી કરવા માટે તંત્ર ધાકધમકી આપી રહ્યું છે. જ્યાં સુધી યોગ્ય અને વાજબી વળતર ન મળે ત્યાં સુધી અમને ઘરમાં રહેવા દેવામાં આવે.”

આ બાબતે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ તથા ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ગરીબો માટે જીવન જીવવું અત્યંત તકલીફમય બની ગયું છે. તંત્ર માત્ર અમીરોનું જ સાંભળે છે.” અરજદારે તેમની સમક્ષ ભગ્ન હૃદયે વેદના વ્યક્ત કરી હતી. તંત્રે ગરીબોની વેદનાઓ પણ સાંભળવી જોઈએ એવી અપીલ કરતાં તેમણે આશા વ્યક્ત કરી છે કે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આ મામલે યોગ્ય નિર્ણય લઈને ગરીબોને ન્યાય અપાવશે. આ ફરિયાદના સંદર્ભમાં હજુ સુધી સરકારી તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here