ધરમપુર: મોહના કાંવચાળી, ઢાંકવળ, મેંનધા અને નાંદગામ વેરીભવાડા સહિતના ગામોના શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ધરમપુર ખાતે અભ્યાસ માટે અપૂરતી એસ.ટી. બસ સુવિધાને લઈને તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. આ વિદ્યાર્થીઓને રોજિંદા અપ-ડાઉનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આદિવાસી યુવા મંચ દ્વારા આપવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં રૂટ પર પૂરતી બસો ન હોવાથી વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં અને પરત ફરવામાં મોટી તકલીફ પડે છે. ખાસ કરીને સાંજના સમયે બસની અછતને કારણે વિદ્યાર્થીઓ, ખાસ કરીને છોકરીઓને મોડે સુધી રોકાવું પડે છે અથવા જોખમી ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. અરજીમાં ભારતીય બંધારણની કલમ ૨૧-એ (શિક્ષણનો અધિકાર) અને કલમ 21 (સુરક્ષિત જીવનનો અધિકાર)નો હવાલો આપીને જણાવવામાં આવ્યું છે કે દરેક વિદ્યાર્થીને શિક્ષણ અને સુરક્ષા મળવી જોઈએ. વર્તમાન વ્યવસ્થા આ અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે. Decision News ને મળેલી જાણકારી મુજબ મુખ્ય માંગણીઓ: 1. સવારના સમયે શાળા-કોલેજના સમય સાથે સંકલિત નિયમિત બસ સેવા શરૂ કરવામાં આવે. 2. સાંજે કોલેજ છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ માટે ખાસ એક અલગ નવી બસની વ્યવસ્થા કરવામાં આવે.

આદિવાસી યુવા મંચના પ્રમુખ નવીનભાઈ, છોટુભાઈ, તુલસીભાઈ, જાહીરામભાઈ, દેવુભાઈ, વિનયભાઈ સહિતના હોદ્દેદારોએ આ અરજી રજૂ કરી હતી. તેઓએ અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરી વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાંથી બચાવવાની અપીલ કરી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમસ્યાનું ઝડપી નિરાકરણ થાય તો વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓને નિયમિત અને સુરક્ષિત રીતે અભ્યાસ કરવામાં મદદ મળશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here