કપરાડા: છેલ્લા 15 વર્ષથી સતત સમાજસેવાના કાર્યો કરી રહેલી જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટએ આ વર્ષે પણ ગ્રામીણ વિસ્તારના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ટ્રસ્ટ દ્વારા કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી ૧૦ સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને 10,000 થી વધુ નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.
આ અભિયાનનો લાભ ચાવશાળા, કાલુનિયા, આંબાપાણા, શાહુડા, ધામણવેગણ, સીદાચીમાળી, બારુમાળ ફળિયા, ઘોડીપાડા તથા એકલેરા-જાંબોનિયા જેવી શાળાઓના વિદ્યાર્થીઓને મળ્યો છે. ટ્રસ્ટના આ પગલાથી અંતરિયાળ વિસ્તારના હજારો બાળકોને શિક્ષણ માટે જરૂરી સામગ્રી મળી છે, જે તેમના સપનાઓને નવી પાંખો આપવાનું કાર્ય કરશે.
આદિવાસી યુવા મયંક પટેલ નોંધે છે કે “દાનની સાચી કિંમત વસ્તુમાં નહીં, પરંતુ જરૂરિયાતમંદના ચહેરા પર ખીલતા સ્મિતમાં હોય છે.”
ટ્રસ્ટના આયોજકોએ જણાવ્યું કે, “આ કાર્ય માત્ર નોટબુકોનું વિતરણ નથી, પરંતુ ગરીબ અને અંતરિયાળ વિસ્તારના બાળકોના શિક્ષણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. જ્યારે સમાજ એક થઈને શિક્ષણની વાત કરે છે, ત્યારે આવનારી પેઢી વધુ સમૃદ્ધ અને જાગૃત બને છે.” ટ્રસ્ટે તમામ દાતાશ્રીઓ, સેવાભાવી મિત્રો અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.











