PTI : અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં મતદાનના ચોથા દિવસે આખરે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન બાજી મારી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ સતત બીજી વખત પ્રમુખ બનવાનું ચૂકી ગયા છે. મંગળવારે મતદાન પૂરૂં થયા પછી બુધવારથી જ પાંચ બેટલગ્રાઉન્ડ સ્ટેટમાં બાઇડન અને ટ્રમ્પ વચ્ચે મામલો ફસાયો હતો. જોકે, શનિવારે પેન્સિલવેનિયામાં 20 ઈલેક્ટોરલ વોટ જીતવાની સાથે જો બાઇડન અમેરિકાના 46મા પ્રમુખ બન્યા છે. બાઇડને 273 જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 214 ઈલેક્ટોરલ વોટ પ્રાપ્ત થયા.
અમેરિકામાં પ્રમુખ બનવા માટે 270 ઈલેક્ટોરલ વોટની જરૂર હોય છે. બાઇડનના વિજય સાથે કમલા હેરિસે પણ ભારતીય મૂળની સૌપ્રથમ મહિલા ઉપપ્રમુખ બનીને અમેરિકન ચૂંટણીમાં ઈતિહાસ રચ્યો છે. જોકે, હજી કેટલાક રાજ્યોમાં મતગણતરી ચાલુ હોવાથી બાઇડન વધુ મતોથી જીતે તેવી સંભાવના છે. બેટલ ગ્રાઉન્ડ સ્ટેટ્સમાં પેન્સિલવેનિયા સૌથી વધુ ઈલેક્ટોરલ વોટ ધરાવતું રાજ્ય હતું, જ્યાં બાઇડને વિજય મેળવતાં તેમનું પ્રમુખ બનવાનું નક્કી જ માનવામાં આવી રહ્યું છે.
બાઇડને જણાવ્યું હતું કે, અમેરિકનોએ તેમનામાં અને ઉપપ્રમુખ કમલા હેરિસમાં જે વિશ્વાસ મૂક્યો છે તેનું તેઓ સન્માન કરે છે. બાઇડન અગાઉ ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાની સાથે ઉપપ્રમુખપદે રહી ચૂક્યા છે. તેઓ ડેલાવરના સૌથી લાંબો સમય સેનેટરપદે પણ રહેલા છે.
બાઇડને પોતાના ભાષણમાં જણાવે છે કે હું પહેલા જ દિવસથી લોકોને જણાવવા માગું છું કે અમે કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવા માટે અમારી યોજનાઓ અમલમાં મૂકીશું. આ યોજનાઓ આગામી મહિનાઓમાં લાખો લોકોના જીવન બચાવશે. બાઇડન અને હેરીસે એક દિવસ અગાઉ જાહેર સ્વાસ્થ્ય અને આિર્થક કટોકટી મુદ્દે નિષ્ણાતોના એક જૂથ સાથે ચર્ચા પણ કરી હતી. બાઇડન કહ્યું હતું કે, દેશમાં 20 મિલિયનથી વધુ લોકો બેરોજગાર છે. અમારી આિર્થક યોજના દેશને સુધારાના માર્ગ પર આગળ ધપાવવાની રહશે.
અમેરિકાના 46મા પ્રમુખ બન્યા બાદ બાઇડને ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પ્રમુખ બન્યા પછીની પહેલી ટ્વિટમાં જણાવ્યું હતું કે, હું તમામ અમેરિકીઓનો પ્રમુખ બનીશ. મને વોટ આપ્યા હોય કે મારી વિરૂદ્ધ મતદાન કર્યું હોય, હું તમામ નાગરિકો માટે કામ કરીશ અને દેશની પ્રગતિ કરીશ. ડોનાલ્ડ ટ્રમ્પ સામે બિડેને ઉમેદવારી નોંધાવી ત્યારે પણ કોઈને આશા નહોતી કે તેઓ જીતી જશે. પરંતુ 7મી નવેમ્બર 2020ના રોજ બિડેનના વિજયની જાહેરાત થઈ છે. અમેરિકન જનમતે લીધેલો નિર્ણય હવે બાઇડનને કેટલો સાર્થક અને લોકહિત તરફ લઇ જાય છે એ જોવું રહ્યું.