યુએઈમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩ મી સીઝનમાં, ૨૦૧૬ ની વિજેતા સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને છ વિકેટે હરાવીને સેકન્ડ ક્વોલિફાયરમાં પ્રવેશ મેળવ્યો હતો.

    ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ અબુધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે નિર્ધારિત ઓવરમાં ફક્ત ૧૩૧ રન બનાવ્યા હતા, જે બાદ ડેવિડ વોર્નરની ટીમને જીતવા માટે ૧૩૨ રનનો લક્ષ્‍યાંક મળ્યો હતો. RCB તરફથી AB D વિલિયર્સે સૌથી વધુ ૫૬ રન બનાવ્યા હતા. છેલ્લી ઓવર સુધી ખેંચાયેલી આ મેચમાં કેન વિલિયમસનની 50 રનની શાનદાર ઇનિંગનાં કારણે હૈદરાબાદે ચાર વિકેટ ગુમાવીને લક્ષ્‍ય હાંસલ કર્યું હતું.

    બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજે ૨૮ રનમાં ૨ વિકેટ ઝડપી જ્યારે સ્પિનર એડમ જામ્પા અને યુઝવેન્દ્ર ચહલને એક-એક વિકેટ મળી હતી. બીજા ક્વોલિફાયરમાં હવે હૈદરાબાદનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સાથે થશે, જે પ્રથમ ક્વોલિફાયરમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારી ગઈ હતી. દિલ્હી-હૈદરાબાદ વચ્ચેની વિજેતા ટીમ ૧૦ નવેમ્બરનાં રોજ મુંબઇ ઈન્ડિયન્સ સામે ટકરાશે જે છઠ્ઠી વખત ફાઇનલમાં પ્રવેશ કરશે. આમ એક વખત ફરીવાર વિરાટની સેનાનું IPLનું ટાઇટલ જીતવાનું સપનું તૂટી ગયું.