31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયો હતો ત્યારે બીજી બાજુ સ્થાનિક ગ્રામજનોએ બંધનું એલાન અને આંદોલનની ચીમકી આપી હતી. સ્થાનિક આદિવાસીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સ્થાનિક આદિવાસી વિસ્તારના લોકોએ કાળો દિવસ ગણાવ્યો હતો.
મળતી માહિતી મુજબ કેવડિયા વિસ્તારના ગ્રામજનોને બે દિવસ પહેલા નજરકેદ કર્યા હતા અને ગામના ગેટ સામે પોલીસ ખડકી દેવામાં આવી હતી. આદિવાસી સમાજના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે બીટીપીના આગેવાનોએ કેવડિયાથી 65 કિલોમીટર દૂર ડેડિયાપાડામાં વિરોધ કર્યો હતો. 31 ઓક્ટોબરને રાષ્ટ્રિય એકતા દિવસને બદલે આદિવાસીઓ માટે કાળો દિવસ ગણાવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામ પર આદિવાસીઓનો વિનાશ કરવાનું બંધ કારો, સરકાર હમસે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ સૂત્રોચાર કર્યા હતા.
તેમનું કહેવું છે કે વિસ્થાપિતો માટે લડતા આગેવાનોને કેવડિયામાં કાર્યક્રમો દરમિયાન તેમને નજરકેદ કરી દેવાય છે. ડેડિયાપાડામાં બીટીપીના કાર્યકરોની વિરોધ રેલી દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયુ હતુ. અને તેમને ડિટેઇન કર્યા હતા. જયારે બીજી બાજુ સોશિયલ મિડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના બદલે સ્ટેચ્યુ ઓફ ડિસપ્લેસમેન્ટ અને બ્લેક ડે ચર્ચામાં રહ્યુ હતુ. જયારે બીટીપીના નેતા રાજ વસાવાએ કહ્યુ કે, આંખે કાળી પટ્ટી અને કાળા માસ્ક પહેરીને આંધળી, બહેરી અને ગુંગી સરકારનો સાઇલન્ટ વિરોધ કર્યો છે. વિકાસના નામે આદિવાસીઓ અને કુદરતી સંપત્તિનો વિનાશ થઇ રહ્યો છે. તેનો વિરોધ કરીએ છીએ.