સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગામી 31મી ઓક્ટોબર 2020 ના રોજ PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે, વહિવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના કોઠી, ભુમલિયા, વાગડીયા, કેવડિયા ગામ, લીમડી, નવાગામ, ગોરા, વસંતરપુરા, પીપરિયા, મોટા પીપરિયા, ઈન્દ્રવર્ણા અને ગભણા ગામના ગ્રામજનોએ એક ગ્રામસભા દ્વારા PM મોદીના કાર્યક્રમનો વિરોધ કરવાનો સયુંકત નિર્ણય કર્યો છે. આ તમામ ગામના લોકોએ રાષ્ટ્રપતિને એક પત્ર પણ લખ્યો છે.
જેમાં જણાવ્યું છે કે હાલ કોરોનાનું સંક્રમણ ચાલી રહ્યું છે. PM મોદીના કાર્યક્રમને લઈને અમારા વિસ્તારમાં મોટી સંખ્યામાં CRPF, SRP સહિતની ફોર્સ આવી છે એમાંથી 50થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી અમારા વિસ્તારના વૃધ્ધો અને બાળકોના જીવને જોખમ છે. PM મોદીની સુરક્ષાને લઈને અમારા વિસ્તારમાં હજારો પોલીસ જવાનો આવી જશે જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિને લીધે અમેં 27 થી 29 ઓક્ટોબરે સેલ્ફ કોરોનટાઈન રહીશું તથા હાલની કોરોનાની સ્થિતિ જોતા 30-31 ઓક્ટોબરે કેવડિયા વિસ્તારના તમામ બજારો બંધ રહેશે, આવશ્યક સેવાઓને બાદ કરતાં કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર જવું નહિ અને સરકારી કે અર્ધ સરકારી વ્યક્તિએ ગ્રામસભાની પૂર્વ મંજૂરી વિના અમારા વિસ્તારમાં પ્રવેશ કરવો નહિ. ગ્રામજનોના આ ઠરાવનો કોઈ પણ ઉલ્લંઘન કરશે તો તેમની ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું એવો અમે નિર્ણય કર્યો છે. હાલ આ પત્રે વિરોધના સૂર રેલાવ્યાં છે. ગ્રામજનોના આ નિર્ણયનું પાલન થશે કે નહિ એ હવે જોવું રહ્યું !