MI ટીમના કેપ્ટન રોહિત શર્માના ઇજાગ્રસ્ત થવાના કારણે તે સતત ત્રીજી મેચ બહાર રહે તેવી સંભાવના વચ્ચે મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે અહીં બુધવારે આઇપીએલનો વધુ એક મહામુકાબલો રમાશે જેમાં કઇ ટીમ પ્લે ઓફમાં સૌથી પહેલી પોહ્ચશે તે જોવું રસપ્રદ બની રહેશે. મુંબઇને છેલ્લી મેચમાં રાજસ્થાન સામે આઠ વિકેટે પરાજયનો સામનો કરવો પડયો હતો. તેના ૧૪ પોઇન્ટ છે અને બીજી તરફ વિરાટ કોહલીની બેંગ્લોરની ટીમ પાસે પણ ૧૪ પોઇન્ટ છે. બેંગ્લોરનો રવિવારે ચેન્નઇ સામે પરાજય થયો હતો. આજે જે ટીમ જીતશે તે પ્લે ઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે.

     MIમાં રોહિતની ફિટનેસ ચર્ચાનો વિષય બન્યો છે. મુંબઇના સુકાનીએ સોમવારે નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી. મુંબઇ ઇન્ડિયન્સ કે બીસીસીઆઇ તરફથી રોહિતની ફિટનેસ અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. રોહિતની ગેરહાજરીમાં સૌરભ તિવારી અને ઇશાન કિશન ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે. મુંબઇની બેટિંગમાં ક્વિન્ટન ડી કોક, ર્હાિદક પંડયા તથા પોલાર્ડ જેવા સ્ટ્રોકમેકર બેટ્સમેન છે. જે MIની ટીમની તાકાત બનશે.

    RCB તરફથી રોહિતની ફિટનેસના વિવાદ વચ્ચે કોહલીએ પણ ઘણી બાબતો પુરવાર કરવાની રહેશે. બેંગ્લોરનો ટોચનો ક્રમ ઉપયોગી અને આક્રમક બેટિંગ કરીને રન બનાવશે તો મુંબઇ માટે સમસ્યાઓ ઊભી થઇ શકે છે. ક્રિસ મોરિસ, મોઇન અલી તથા ગુરકીરાત નીચલા ક્રમમાં મહત્ત્વનું યોગદાન આપી શકે છે. નવદીપ સૈની ઇજાગ્રસ્ત થતાં બેંગ્લોરનું બોલિંગ આક્રમક સહેજ નબળું પડી શકે છે. તેની ગેરહાજરીમાં મોરિસ તથા મોહમ્મદ સિરાજ ઉપર વર્કલોડ વધી જશે. આમ આજે બંને ટીમની રણનીતિ અને નિર્ણયો વિજયનું કારણ બનશે.