ગત રાત્રે વાવાઝોડા અને આંધીએ ગરમીથી રાહત આપવાના બદલે બિહારના 16 જિલ્લાઓમાં જોરદાર કહેર વરસાવ્યો. વિજળી પડવા અને વાવાઝોડાના કારણે 16 જિલ્લાના 33 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. જ્યારે, બીજી તરફ લાખો રુપિયાની સંપત્તિ પણ તોફાનના કારણે નષ્ટ થઈ ગઈ. આ લોકોના મોત પર પીએમ નરેન્દ્ર મોદી અને બિહારના સીએમ નીતિશ કુમારે શોક વ્યક્ત કર્યો છે. સાથે જ મૃતકોના આશ્રિતોને સીએમ નીતિશ કુમારે તત્કાલ ચાર-ચાર લાખ રુપિયા આપવાની જાહેરાત પણ કરી.
મળતી માહિતી મુજબ બિહારમાં જે જિલ્લો તોફાનથી સૌથી વધુ પ્રભાવિત થયો છે તે ભાગલપુર છે. ભાગલપુરમાં વીજળી પડવાથી સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. મુઝફ્ફરપુરમાં છ લોકોના મોતના અહેવાલ છે. આપને જણાવી દઈએ કે ગુરુવારે બપોરે બિહારમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શરૂઆત થઈ હતી. ત્યારે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થતાં કલાકો સુધી વીજળી ખોરવાઈ ગઈ હતી. ઘણા જિલ્લામાં વીજળી પડવાથી લોકોએ જીવ ગુમાવ્યા છે.
જો કે, વિજળી પડવાથી કેટલા લોકોના મોત થયા તેનો આંકડો શરૂઆતમાં સામે આવ્યો ન હતો પરંતુ હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે વીજળી પડવાથી 33 લોકોના મોત થયા છે. આ સાથે પાકને પણ ભારે નુકસાન થવાની આશંકા છે. સરકારનુ કહેવુ છે કે અસરગ્રસ્ત લોકોને દરેક સ્તરે મદદ કરવામાં આવી રહી છે. વાવાઝોડાને કારણે થયેલા નુકસાનનુ આકલન કરવામાં આવી રહ્યુ છે.
બિહારના સીએમ નીતિશ કુમારે શુક્રવારે ટ્વીટ કરીને લખ્યુ, ‘રાજ્યના 16 જિલ્લામાં આંધી અને વીજળી પડવાને કારણે 33 લોકોના દુઃખદ મોત. ચાર લાખ રુપિયાનુ વળતર આપવા પણ સૂચના આપવામાં આવી. લોકોને ખરાબ હવામાનમાં અત્યંત સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે. વાવાઝોડાને રોકવા માટે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવેલા સૂચનોનુ પાલન કરો. ખરાબ હવામાનમાં ઘરે રહો અને સુરક્ષિત રહો.