વલસાડ/કિલ્લા પારડી: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કુંભારીયા ગામે પિતાના ઘરે આશરો લઈ રહેલી ૩૯ વર્ષીય મહિલા તેજસ્વીનીબેન કેતનકુમાર પટેલે પોતાના સગા માસા ભીખુભાઈ રણછોડભાઈ પટેલ (રહે. બાલદા રેસીડેન્સી, કિલ્લા પારડી) વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. ન્યાય મેળવવા માટે પીડિતાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરવાની સાથે પારડી પોલીસ સ્ટેશન, હેલ્પલાઈન 112 અને વલસાડ ઉત્કર્ષ મહિલા સંસ્થામાં લેખિત રજૂઆત કરી છે.
પીડિતાના જણાવ્યા અનુસાર, આરોપી માસા દ્વારા તેણી જ્યારે ધોરણ-૩ માં અભ્યાસ કરતી હતી ત્યારથી અત્યાર સુધી સતત શારીરિક અડપલાં, અશ્લીલ ચેષ્ટાઓ અને માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. ગત 23 સપ્ટેમ્બર 2026 ના રોજ પણ પિતાની હાજરીમાં આરોપીએ અશ્લીલ ઈશારા (ફ્લાઈંગ કિસ) કરીને છેડતી કરી હોવાનો પીડિતાએ આક્ષેપ કર્યો છે.
આ સતત માનસિક ત્રાસ, બદનામી અને સામાજિક દબાણથી કંટાળીને પીડિતાએ 26 નવેમ્બર 2026 ના રોજ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તે પૂર્વે એક વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ગંભીર બીમાર બાળકની માતા એવી પીડિતાએ જણાવ્યું છે કે આરોપી માસાના સતત શારીરિક અડપલાં અને માનસિક ત્રાસને કારણે તેની સ્થિતિ અત્યંત કફોડી બની છે.
હાલ પીડિતાએ કિલ્લા પારડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ તાત્કાલિક FIR નોંધીને આરોપીની ધરપકડ કરવા અને પોતાને તથા પોતાના બાળકને ન્યાય અપાવવા ઉગ્ર માંગ કરી છે.
DECISION NEWS અપીલ: જો તમે અથવા તમારી આસપાસ કોઈ માનસિક તણાવ અથવા આત્મહત્યાના વિચારોથી પીડાતું હોય, તો તાત્કાલિક મદદ માટે નજીકના પોલીસ સ્ટેશન, હેલ્પલાઈન 112 અથવા કિરણ (KIRAN) માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઈન 14416 / 1800-599-0019 પર સંપર્ક કરી શકો છો.











