કપરાડા: 27નવેમ્બર 2026ના રોજ વલસાડ જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ એવા કપરાડા તાલુકાના કુંભ ઘાટમાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કુંભ ઘાટના જોખમી વળાંક પરથી પસાર થઈ રહેલો એક GJ-33-T 1777 નબરનો આઇસર ટેમ્પો અચાનક ચાલકના કાબૂ બહાર જઈને રસ્તા પર જ પલટી મારી ગયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ વાહનને મોટું નુકસાન પહોંચ્યું છે.
કપરાડાનો આ કુંભ ઘાટ વિસ્તાર વાહનચાલકો માટે સતત જોખમી સાબિત થઈ રહ્યો છે. સ્થાનિકો અને નિયમિત અવરજવર કરતા વાહનચાલકોના જણાવ્યા અનુસાર, કુંભ ઘાટના અત્યંત સાંકડા રસ્તા, તીવ્ર વળાંકો અને બિસ્માર હાલતને કારણે અહીં અવારનવાર નાના-મોટા વાહનો પલટી મારી જવાની ઘટનાઓ બનતી રહે છે. ઘણીવાર ભારે વાહનો ઘાટ ચઢતી કે ઉતરતી વખતે સંતુલન ગુમાવી બેસે છે, જેના કારણે મોટા અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.
આટલી ગંભીર પરિસ્થિતિ અને અવારનવાર બનતી અકસ્માતની ઘટનાઓ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તાના નવીનીકરણ કે પહોળા કરવાની કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી. રસ્તા પર સુરક્ષા માટે જરૂરી સાઈન બોર્ડ કે પ્રોટેક્શન વોલનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.
તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક પ્રજા અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં સંબંધિત વિભાગ દ્વારા કુંભ ઘાટના રસ્તાનું તાત્કાલિક ધોરણે નવીનીકરણ કરવામાં આવે અને જોખમી વળાંકો પર સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.











