ધરમપુર: નવચેતન યુવક મંડળ સંચાલિત શ્રીમતી મંજુલાબેન વી. પટેલ કોલેજ ઓફ પી.ટી.સી., કાંગવી (આસુરા), તા. ધરમપુરના ઇન્ચાર્જ આચાર્ય ડો. ધર્મિષ્ઠાબેન વી. પટેલના માર્ગદર્શન હેઠળ તા. 28/11/2026ના રોજ કોલેજના પ્રશિક્ષણાર્થીઓ માટે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે શૈક્ષણિક પરિચય પ્રવાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ શૈક્ષણિક પ્રવાસમાં કોલેજના કુલ 46 પ્રશિક્ષણાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પ્રશિક્ષણાર્થીઓને પુસ્તકીય જ્ઞાન ઉપરાંત પ્રત્યક્ષ નિરીક્ષણ દ્વારા વિજ્ઞાનના સિદ્ધાંતોની ઊંડાણપૂર્વક સમજ મળે તે આ પ્રવાસનો મુખ્ય હેતુ હતો. મુલાકાત દરમિયાન તાલીમાર્થીઓએ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ ગેલેરીઓ, 3D શો, તારામંડળ (પ્લેનેટોરિયમ) અને વૈજ્ઞાનિક પ્રયોગોનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞો દ્વારા પ્રશિક્ષણાર્થીઓને રોજિંદા જીવનમાં વિજ્ઞાનનો ઉપયોગ, અવકાશ વિજ્ઞાન, પર્યાવરણ જાળવણી અને ઊર્જા બચત જેવા મહત્વપૂર્ણ વિષયો પર રસપ્રદ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રશિક્ષણાર્થીઓએ વિવિધ પ્રશ્નો પૂછી પોતાની જિજ્ઞાસા સંતોષી હતી તેમજ જાતે પ્રયોગો કરીને વિજ્ઞાનના નિયમોને પ્રાયોગિક રીતે સમજ્યા હતા. ભાવી શિક્ષકો તરીકે તૈયાર થઈ રહેલા આ પ્રશિક્ષણાર્થીઓને શાળા કક્ષાએ વિજ્ઞાન વિષયને સરળ અને રસપ્રદ રીતે કેવી રીતે ભણાવી શકાય તેનો પણ પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત થયો હતો.

કોલેજના અધ્યાપકગણના સહકારથી સમગ્ર પ્રવાસનું અત્યંત શિસ્તબદ્ધ સંચાલન કરવામાં આવ્યું હતું. પ્રવાસના અંતે તમામ પ્રશિક્ષણાર્થીઓ નવા જ્ઞાન અને આનંદની લાગણી સાથે પરત ફર્યા હતા. આ તકે સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના પ્રમુખ અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે તમામ પ્રશિક્ષણાર્થીઓને ભવિષ્યમાં ઉમદા વિજ્ઞાન શિક્ષક બને તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here