ધરમપુર: ધરમપુર તાલુકાના હનમતમાળ ગામે આબોશી મેઈન રોડથી આશ્રમશાળા હનમતમાળ તરફ જતા રસ્તાની દયનીય સ્થિતિ સામે આવી છે. ચોમાસા પહેલાં આ માર્ગ પર મેટલ (કાંકરી) નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ અચાનક ચોમાસું શરૂ થતાં જ તંત્ર દ્વારા કામ અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું હતું.

દિવાળી જેવા પર્વો પણ વીતી ગયા છે, તેમ છતાં આજદિન સુધી આ મહત્વના રસ્તાનું કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું નથી. પરિણામે, રસ્તા પર અગાઉ નાખવામાં આવેલો છૂટો મેટલ (કાંકરી) હાલ વાહનચાલકો અને રાહદારીઓ માટે ભારે મુશ્કેલીનું કારણ બન્યો છે. આ માર્ગ પરથી પસાર થતી વખતે વાહન પર કાબૂ રાખવો મુશ્કેલ બને છે, જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોમાં તંત્રની ઉદાસીનતા સામે રોષ જોવા મળી રહ્યો છે.

લોકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે, “શું કોઈ મોટી દુર્ઘટના કે ગંભીર અકસ્માત સર્જાશે, ત્યારબાદ જ જવાબદાર અધિકારીઓની આંખ ઉઘડશે અને રસ્તાનું કામ શરૂ થશે?” ગ્રામજનો દ્વારા વહેલી તકે આ અધૂરા રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here