વલસાડ: આજરોજ વલસાડ અને વાપી વિસ્તારના નાગરિકોની સુરક્ષા તથા મુસાફરીની સુગમતા વધારવા માટે દક્ષિણ ગુજરાત સમસ્ત આદિવાસી સમાજના કન્વીનર અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા ગુજરાત સરકારના મુખ્યમંત્રી સમક્ષ બે અત્યંત મહત્વના અને લોકહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે.જેમાં વાપીથી નાસિક વચ્ચેનો માર્ગ ખાસ કરીને શનિ-રવિ અને રજાઓના દિવસોમાં અત્યંત વ્યસ્ત રહે છે. હાલમાં આ માર્ગ પર જોખમી વળાંકો, સાંકડા રસ્તા, જોખમી ઘાટ અને નદી-નાળાઓની નબળી સ્થિતિને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે.
આ સમસ્યાના નિવારણ માટે નીચે મુજબના સૂચનો કરવામાં આવ્યા છે અને જોખમી વળાંકો અને ઘાટની સ્થિતિ સુધારી રસ્તાને શક્ય હોય ત્યાં સીધો બનાવવો તથા નદી-નાળાઓ પર ઊંચા અને મજબૂત પુલનું નિર્માણ કરવું.તેમજ નદીઓ અને નાળાઓ પર યોગ્ય અંતરે નાના ચેકડેમ બનાવવામાં આવે, જેથી વરસાદી પાણીનો સંગ્રહ થાય અને આસપાસના પથરાળ વિસ્તારના ગામોમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે તથા પીવાના પાણીની સમસ્યા હલ થાય તેમજ કપરાડાથી નાસિક તરફના માર્ગને ત્યાંના અન્ય સુપર એક્સપ્રેસવે સાથે જોડવાની શક્યતાઓ તપાસવામાં આવે. જો આ જોડાણ શક્ય બને તો વલસાડ, પારડી અને નાનાપોંઢા તરફના વાહનચાલકો માટે આશરે ૩૦ કિલોમીટર જેટલું અંતર ઘટી શકે તેમ છે.ઉપરાંત વાપી નેશનલ હાઈવે પર છરવાડા પાસે આવેલો વર્તમાન અંડરપાસ ખૂબ જ સાંકડો છે. તે વૈશાલી બ્રિજ અને ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની બિલકુલ નજીક હોવાને કારણે ત્યાં સતત ટ્રાફિક જામ અને અકસ્માતોનો ભય રહે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ટેકનિકલ નિષ્ણાતો પાસે નીચે મુજબના ફેરફારોની ચકાસણી કરાવવા માંગ કરાઈ છે તેમજ વૈશાલી બ્રિજ અને બલીઠા હાઈવે બ્રિજ વચ્ચે આશરે ૫૦૦ મીટરનું યોગ્ય અંતર રાખીને બંને બ્રિજની લંબાઈ વધારવામાં આવે તેમજ સાંકડા અંડરપાસના બદલે હાઈવે પર મોટા પિલર બનાવીને વચ્ચે પૂરતી ઊંચાઈ ધરાવતો ચાર લેન જેટલી પહોળાઈવાળો ખુલ્લો માર્ગ બનાવવામાં આવે. અગાઉ ટુકવાડા અંડરપાસની ડિઝાઇનમાં પણ આ જ રીતે સફળતાપૂર્વક સુધારો કરવામાં આવ્યો હતો.
પ્રજાહિતમાં વહેલી તકે નિર્ણય લેવા અપીલ:
ડો. નિરવ પટેલે જણાવ્યું છે કે, આ બંને યોજનાઓ સાકાર થવાથી ગુજરાત અને મહારાષ્ટ્રના હજારો નાગરિકોને વર્ષો સુધી તેનો સીધો લાભ મળશે અને પ્રવાસ વધુ સુરક્ષિત બનશે. આ વિષયો પર ગંભીરતાપૂર્વક વિચારણા કરી સંબંધિત અધિકારીઓને સચોટ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા અને વહેલી તકે મંજૂરી આપવા રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય આદેશ કરવા માંગ કરવામાં આવી છે.આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ વાહનચાલકોની સુરક્ષા વધારવાનો, આંતરરાજ્ય જોડાણ મજબૂત કરવાનો અને ટ્રાફિકની ગંભીર સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાનો છે.











