વલસાડ: આજરોજ વલસાડ જિલ્લાના ડુંગરી નજીક આવેલી બાલાજી કંપનીમાં કામ કરતા કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઈને આજે કર્મચારીઓનો આક્રોશ જોવા મળ્યો હતો. લાંબા સમયથી પોતાની માંગણીઓ અને સમસ્યાઓ અંગે રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ નહીં આવતું હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓ કંપનીની બહાર રસ્તા પર ઉતરી આવ્યા હતા.
કર્મચારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણીઓમાં પગાર વધારો, કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા, બોનસ, મેડિકલ સુવિધા, ESICના લાભો, રજાઓ, નાઈટ શિફ્ટની સુવિધા, મહિલા કર્મચારીઓના પ્રશ્નો તેમજ બોયઝ અને ગર્લ્સ કર્મચારીઓ સાથે સમાન વ્યવહાર જેવા અનેક મહત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે. કર્મચારીઓનું કહેવું છે કે કંપનીમાં વર્ષોથી સેવા આપતા કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવવું જોઈએ. કર્મચારીઓને તેમના કામના પ્રમાણમાં યોગ્ય વેતન, કાયદેસરના લાભો અને જરૂરી સુવિધાઓ મળવી જોઈએ. માત્ર આશ્વાસન આપવાને બદલે કંપની મેનેજમેન્ટે કર્મચારીઓની સમસ્યાઓને ગંભીરતાથી લઈને નક્કર નિર્ણય લેવો જોઈએ.
સવાલ એ છે કે કંપનીના વિકાસમાં દિવસ-રાત મહેનત કરતા કર્મચારીઓના જ પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી આવતું? કર્મચારીઓની માંગણીઓ કોઈ ખોટી કે અયોગ્ય માંગણીઓ નથી, પરંતુ તેમના હક, સન્માન અને સુવિધાઓ સાથે જોડાયેલા મહત્વના પ્રશ્નો છે. હવે કંપની મેનેજમેન્ટ અને HR વિભાગ આ મામલે કેટલા ગંભીર બને છે અને કર્મચારીઓને ક્યારે ન્યાય મળે છે તે જોવું રહ્યું. કર્મચારીઓના પ્રશ્નોનું વહેલી તકે યોગ્ય નિરાકરણ આવે અને તેમની સાથે ન્યાય થાય તેવી માંગ ઉઠી રહી છે.











