નવસારી: આદિવાસી વિસ્તારના બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટર સાહેબ મનીષ ગુરવાણી દ્વારા સ્થાનિક લાઇબ્રેરીના વિકાસ અર્થે ₹15 લાખની નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી છે. આ સહાય બદલ ડો. સત્યમ પટેલે જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરતા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને ડિજિટલ સુવિધાઓના વ્યાપ અંગે પોતાનો સંકલ્પ દોહરાવ્યો હતો.
લાઇબ્રેરી એટલે માત્ર પુસ્તકો રાખવાની જગ્યા નથી. લાઇબ્રેરી એ એવી જગ્યા છે જ્યાં સામાન્ય પરિવારનું બાળક મોટું સપનું જોતા શીખે છે, સખત મહેનત કરે છે અને પોતાના જીવનની દિશા બદલી શકે છે. નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટર સાહેબ દ્વારા સ્થાનિક લાઇબ્રેરીના વિકાસ અર્થે ₹15 લાખની નાણાકીય સહાયથી ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષણમાં નવી ઊંચાઈઓ સર કરી શકે.
આદિવાસી બાળકો માટે સમાન તકોનું નિર્માણ: આ ઉપક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ઈમારત કે પુસ્તકો પૂરતો સીમિત નથી, પરંતુ દરેક બાળકને સમાન તકો આપવાનો છે: આ રકમનો ઉપયોગ લાઇબ્રેરીમાં આધુનિક અભ્યાસ સામગ્રી, કોમ્પ્યુટર અને ડિજિટલ લર્નિંગ સાધનો વસાવવા માટે થશે. સ્થાનિક વિદ્યાર્થીઓ આ સુવિધાનો મહત્તમ ઉપયોગ કરીને સફળતા મેળવે તે માટેનું આયોજન કરવામાં આવશે. નવસારી જિલ્લા વહીવટીતંત્રનું આ કદમ અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ શિક્ષણ અને ડિજિટલ ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે મોડેલ સાબિત થશે.
પ્રકૃતિ ટ્રસ્ટના ડો. સત્યમ પટેલે જણાવ્યું હતું કે,અમારું સ્વપ્ન માત્ર એક આધુનિક લાઇબ્રેરી બનાવવાનું નથી; પરંતુ આદિવાસી વિસ્તારના દરેક બાળકને પોતાના સપનાં સાકાર કરવાની સમાન તક મળે તે સુનિશ્ચિત કરવાનું છે











