વાંસદા: ગણેશોત્સવ નિમિત્તે વાંસદા નગરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે, ત્યારે પાટાફળીયા ખાતે બિરાજમાન ‘એકદંત ગણેશ મંડળ’ દ્વારા તૈયાર કરવામાં આવેલો ગણેશ મંડપ સમગ્ર પંથકમાં ભારે આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યો છે. આ વર્ષે મંડળ દ્વારા ભક્તિની સાથે સ્થાનિક અસ્મિતાને ઉજાગર કરતી એક વિશિષ્ટ થીમ આધારિત મંડપ સજાવટ કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ માટે નયનરમ્ય અનુભવ સમાન સાબિત થઈ રહી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ એકદંત ગણેશ મંડળના ઉત્સાહી યુવાનો દ્વારા મંડપની દીવાલો પર પરંપરાગત ‘વારલી આર્ટ’ (Warli Painting) અને કલાત્મક ચિત્રોના માધ્યમથી સમગ્ર વાંસદા તાલુકાના ગૌરવશાળી ઇતિહાસ, આદિવાસી લોકજીવન, પ્રકૃતિ અને સાંસ્કૃતિક વારસાને જીવંત સ્વરૂપ આપવામાં આવ્યું છે.

આજના આધુનિક યુગમાં લુપ્ત થતી જતી લોકકલા અને પરંપરાઓથી નવી પેઢી પરિચિત થાય તેમજ પોતાના ભવ્ય ભૂતકાળ અને કુદરતી વારસાનું ગૌરવ અનુભવે તેવા ઉમદા હેતુથી આ અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે. ગણેશજીના દર્શનાર્થે આવતા ભક્તો બાપ્પાના આશીર્વાદ મેળવવાની સાથે સાથે વાંસદાની સંસ્કૃતિને નિહાળી મંડળના યુવાનોની આ કલાત્મક અને અર્થપૂર્ણ વિચારસરણીની મુક્ત મને પ્રશંસા કરી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here