ધરમપુર: ધરમપુરથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ વિલ્સન હિલ તરફ જતાં રસ્તા પર આવેલા ઉગતા ગામ નજીક એક કરુણ અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. રસ્તા પર જંગલ વિસ્તારમાં એક બારી પાસે બે પ્રેમીપંખીડાએ ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

સ્થાનિક લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ, GJ-15-DD-9806 નંબરની મારુતિ ઓલ્ટો કારને મુખ્ય રસ્તા પર જ પાર્ક કરીને બંને જંગલમાં ગયા હતા. ત્યારબાદ નાયલોનની દોરી વડે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકોમાં યુવક ખારવેલ ગામનો અને યુવતી બામતી ગામની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંનેના મૃતદેહને નીચે ઉતારી પોસમોર્ટમ (PM) અર્થે ધરમપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ બંને પ્રેમીપંખીડાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસ દ્વારા કેસ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ જ આ આપઘાત પાછળનું રહસ્ય અને સાચું કારણ બહાર આવશે.