નાનાપોંઢા: વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા મથક ખાતે 80 માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ ભવ્ય અને ગૌરવપૂર્ણ પ્રસંગે રાજ્યના મંત્રી નરેશ પટેલે ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રધ્વજને ભાવપૂર્વક સલામી આપી હતી.

ધ્વજવંદન બાદ મંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને સ્વાતંત્ર્ય પર્વની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પોલીસ પ્લાટૂન દ્વારા પ્રભારી મંત્રીશ્રીને ગાર્ડ ઓફ ઓનર અને સલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ પ્રશાસનિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલા સાંસ્કૃતિક નૃત્યો, પરંપરાગત ગરબા અને યોગા ડાન્સની નયનરમ્ય રજૂઆતો કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સહુ નાગરિકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

પોતાના પ્રાસંગિક પ્રવચનમાં મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર સતત કાર્યરત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના દૂષણને જડમૂળથી નાથવા અને વિદ્યાર્થીઓને પારદર્શક તથા સુરક્ષિત પરીક્ષા પ્રણાલી પૂરી પાડવા માટે સરકારે મજબૂત ‘એન્ટી પેપર લીક બિલ’ બનાવ્યું છે.

વિપક્ષ પર પ્રહાર કરતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કેટલાક તત્વો પોતાના રાજકીય સ્વાર્થ ખાતર સરકારની આલોચના કરે છે. આવા લોકો દેશહિત કરતા પોતાની પાર્ટી અને પરિવારવાદને વધુ પ્રાધાન્ય આપતા હોય છે. પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની અમર પંક્તિઓને યાદ કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ‘સરકાર આયેગી જાયેગી,પાટીયા બનેગી બીગડેલી, મગર યે દેશ રહેના ચાહિએ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ જ ઉચ્ચ નેમ અને સંકલ્પ સાથે દેશ અને લોકહિતના કાર્યોમાં રાત-દિવસ કાર્યરત છે.

કાર્યક્રમ સ્થળે નાગરિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સુદ્રઢ બેઠક વ્યવસ્થા તેમજ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નાનાપોંઢા ખાતે યોજાયેલી આ ઐતિહાસિક ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો, સામાજિક અગ્રણીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here