વાલિયા: આજરોજ વાલિયા તાલુકામાં આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા (Caste Certificate) મેળવવામાં પડી રહેલી અગવડતાઓને ધ્યાને રાખીને તાલુકા પંચાયતના હોદ્દેદારો તથા સ્થાનિક આગેવાનોએ મામલતદાર શ્રી જીગ્નેશ કામદાર સાહેબ સાથે એક મહત્ત્વની બેઠક યોજીને રજૂઆત કરી હતી.
આ બેઠક દરમિયાન આગેવાનોએ મામલતદારશ્રી સાથે જાતિના દાખલા આપવાની પ્રક્રિયા અંગે સવિસ્તાર ચર્ચા કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે: જરૂરી અને યોગ્ય પુરાવાઓની ચકાસણી કરીને જ આદિવાસી સમાજના લોકોને દાખલાઓ ફાળવવામાં આવે, જેથી કોઈ બિન-અધિકૃત કે ખોટા વ્યક્તિને જાતિનો દાખલો મળી ન જાય, અરજદારો પાસે જરૂરી તમામ દસ્તાવેજોનું એકસાથે સંકલન કરાવીને તેમને વારંવાર ધક્કા ખાવા ન પડે તે રીતે એક જ વારમાં દાખલા આપી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવવાનો આગ્રહ રખાયો હતો.
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ મામલતદાર કચેરી ખાતે અટવાયેલી અન્ય અરજદારોની પેન્ડિંગ ફાઈલો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને તે તમામ ફાઈલોનું સત્વરે નિરાકરણ લાવી યોગ્ય કામગીરી હાથ ધરવા વિનંતી કરી હતી. આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઇ વસાવા, ઉપ પ્રમુખ વિનયભાઈ વસાવા, ન્યાય સમિતિના અધ્યક્ષ બીપીનભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ વીનેશભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ વાસુભાઈ વસાવા સહિતના વિવિધ સંગઠનો અને સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.











