ધરમપુર: ધરમપુર તાલુકાના આસુરા ગામના ઐતિહાસિક મોહનગઢ ડુંગર પર આવેલા માવલી માતાજી, બરામદેવ તથા હનુમાન દાદાના પરંપરાગત ધાર્મિક સ્થાનકે સ્થાનિક શ્રદ્ધાળુઓને પૂજા-અર્ચના કરવા દેવાની માંગ સાથે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. સમસ્ત આદિવાસી સમાજના યુથલીડર અને સામાજિક આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી તટસ્થ કાનૂની તપાસ અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ કરાઈ છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોહનગઢ ડુંગર સાથે આદિવાસી સમાજની પેઢીઓ જૂની ધાર્મિક અને સાંસ્કૃતિક આસ્થા જોડાયેલી છે. સ્થાનિકોનો આરોપ છે કે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 9 વર્ષથી આ પવિત્ર સ્થળે પૂજા કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શરૂઆતના તબક્કે ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પ્રવેશ બંધ કરી દેવાતાં સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ભારે વેદના અને આક્રોશ વ્યાપ્યો છે. આગામી નવરાત્રી અને દિવાળીના પવિત્ર તહેવારોને ધ્યાને રાખીને, શ્રીમદ રાજચંદ્રજીના કરુણા અને પરસ્પર સદભાવના સિદ્ધાંતોને અનુસરીને ટ્રસ્ટ સ્થાનિક લોકોને દેવદર્શન માટે છૂટ આપે તેવી વિશેષ વિનંતી કરવામાં આવી છે.
આગેવાન ડો. નિરવ પટેલની મુખ્ય માંગણીઓ: સંયુક્ત તપાસ સમિતિ: વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત તપાસ કમિટી બનાવી જૂના 7/12, 8-A, ગામ નમૂના નં.6 અને વન વિભાગના દસ્તાવેજોની તટસ્થ ચકાસણી થાય. PESA અને FRA એક્ટ હેઠળ રક્ષણ: ધરમપુર શિડ્યુલ એરિયામાં આવતું હોવાથી PESA એક્ટ 2017 અને ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ (FRA) 2006 હેઠળ ગ્રામસભા બોલાવી પરંપરાગત સામુદાયિક અધિકારોનું સંરક્ષણ કરાય. સંવાદ બેઠક અને SOP: જિલ્લા વહીવટી તંત્રની અધ્યક્ષતામાં ટ્રસ્ટ, ગ્રામજનો અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓની સંયુક્ત બેઠક યોજી પૂજા વ્યવસ્થા માટે લેખિત SOP (પ્રોટોકોલ) તૈયાર કરવામાં આવે. બંધારણીય અધિકાર: ભારતીય બંધારણના આર્ટિકલ 25 અને 26 હેઠળ ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
સામાજિક આગેવાન ડો. નિરવ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, આ રજૂઆતનો હેતુ કોઈ સંસ્થા સામે વિવાદ ઉભો કરવાનો નથી પરંતુ પરંપરાનું સંરક્ષણ-કાયદાનું પાલન-સૌનું સન્માન-શાંતિપૂર્ણ ઉકેલના સિદ્ધાંત સાથે આદિવાસી સમાજની આસ્થાનું સંરક્ષણ કરવાનો છે. મુખ્યમંત્રીશ્રી આ બાબતે સ્થાનિક તંત્રને સમયબદ્ધ આદેશ આપે તેવી માંગણી કરાઈ છે.











