વાંસદા: વાંસદા તાલુકાનું પીપલખેડ ગામ સમગ્ર વિસ્તારમાં એક શિક્ષિત અને જાગૃત ગામ તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પ્રતિષ્ઠિત ગામની શાખ પર આંકડા જુગારના દૂષણનો મોટો દાગ લાગી ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
સ્થાનિક લોકોમાંથી DECISION NEWS ને મળતી માહિતી અનુસાર, પીપલખેડ ગામના ત્રણ રસ્તા નજીક આવેલ હનુમાનજી મંદિરની બાજુમાં આંકડા જુગારનો અડ્ડો ધમધમી રહ્યો છે. આજુબાજુના માંડવખડક મીયાઝરી કેલીયા અને રવાણીયા, વાડીચોંઢા જેવા ગામડાઓમાંથી પણ લોકો અહીં રૂપિયા જીતવાની લાલચમાં આવે છે અને પોતાના કમાયેલા નાણાં ગુમાવીને બરબાદ થઈ રહ્યા છે. લોકમુખે ચર્ચા મુજબ, વાંસદા તાલુકાનો જ કોઈ આંકડા જુગારનો આકા માણસોને ભાડે રાખી આ આખું નેટવર્ક ચલાવી રહ્યો છે.
આટલા જાહેર સ્થળે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ છતાં વાંસદા પોલીસ કેમ મૌન સેવીને બેસી રહી છે તે સમજાતું નથી. ગામ લોકોમાં એવો પણ ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે કે શું વાંસદા પોલીસના અમુક બીટ જમાદારોને માત્ર હપ્તા ઉઘરાવીને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ?
આ ચિંતાજનક દ્રશ્યો રોજબરોજ જોવા છતાં ગામના સામાજિક આગેવાનો પણ મૌન ધારણ કરીને અનદેખી કરી રહ્યા હોવાનો આક્ષેપ લોકો લગાવી રહ્યા છે. જો આગેવાનો અને પોલીસ તંત્ર આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે, તો ગામના ભવિષ્ય અને યુવાનોને બરબાદીથી બચાવવા માટે હવે પીપલખેડના જાગૃત નાગરિકોએ પોતે જ આગળ આવીને આ દૂષણને ડામવા માટે પગલાં ભરવા પડશે.











