વલસાડ: ખેરગામ-ધરમપુર સ્ટેટ હાઈવે પર આવેલા અનેક જોખમી વળાંકો અને બ્લાઇન્ડ સ્પોટ્સને કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો થતા હતા. આ સમસ્યાના નિવારણ માટે સ્થાનિકોની લાંબા સમયથી રજૂઆતો ચાલતી હતી.ખેરગામના જાણીતા યુવા નેતા તથા સર્જન ડો. નિરવ ભુલાભાઇ પટેલની સક્રિય રજૂઆતને પરિણામે આ મુદ્દે કાર્યવાહી થઈ છે.
ડો. નિરવ પટેલે નવસારી કલેક્ટરને વિસ્તૃત રજૂઆત કરીને હાઈવે પર અકસ્માત નિવારણનાં પગલાં લેવા માટે અપીલ કરી હતી. કલેક્ટર કચેરીના આદેશ મુજબ નવસારી આર.એન્ડ.બી. વિભાગ દ્વારા ભૈરવી રોડ પર વાહનોની ઝડપ ઘટાડવા માટે રમ્બલ્ડ સ્ટ્રીપ્સ (Rumble Strips) લગાવવામાં આવ્યા છે. આ પગલાંથી વાહન ચાલકોને વળાંકો આવવાની અગાઉથી જાણ થશે અને અકસ્માતોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક લોકોમાં આ વિકાસથી રાહતની લાગણી જોવા મળી રહી છે. ઘણા લોકોએ જણાવ્યું કે લાંબા સમયથી આ સમસ્યા હલ થાય તેની રાહ જોવાતી હતી અને ડો. નિરવ પટેલના પ્રયાસોને કારણે તે પૂર્ણ થયું છે.











