વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કણજા ગામે તાપી નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે વહીવટી તંત્રે કડક અને ત્વરિત કાર્યવાહી કરી છે. પ્રાંત અધિકારી વ્યારા, મામલતદાર, ભુસ્તર વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે આકસ્મિક દરોડો પાડીને મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તપાસ દરમિયાન નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનનની પ્રવૃત્તિ ચાલતી હોવાનું જાણવા મળતાં અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પરથી ૩ હિટાચી મશીનો, ૧૦ નાવડીઓ અને રેતી ભરેલા ૨ હાઈવા ટ્રકો સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભુસ્તર વિભાગ દ્વારા આ મામલે વધુ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા વ્યક્તિઓ સામે ખનિજ નિયમો તથા અન્ય લાગુ પડતા કાયદાઓ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, તેવું તંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે.

સ્થાનિકોના કહેવા પ્રમાણે લાંબા સમયથી આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનની ફરિયાદો આવતી રહી છે. તંત્રની આ કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વહીવટી અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે આવી જ કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.આ કાર્યવાહીને સ્થાનિક લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here