ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગામે સરકારી ગોચરની જમીન પર ભૂ-માફિયાઓ દ્વારા કાયદાના લીરેલીરા ઉડાડીને દિવસ-રાત ખુલ્લેઆમ કરોડો રૂપિયાની માટીની ચોરી (લૂંટ) ચલાવવામાં આવી રહી હોવાનો સળગતો મામલો સામે આવ્યો છે.

સ્થાનિક સ્તરે ભારે વિરોધ હોવા છતાં, જવાબદાર ખાણ-ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું હોય તેમ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને પગલે સરકારી તંત્રની ભૂમિકા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

સરકારી મિલકત અને પર્યાવરણનું નિકંદન કાઢતા ભૂ-માફિયાઓ સામે કડક કાર્યવાહી ક્યારે ? ગ્રામજનોમાં રોષ.

મળતી માહિતી મુજબ, ઘેજ ગામના સરકારી ગોચરના સર્વે નંબરો પર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ખનન માફિયાઓ સક્રિય થયા છે. કોઈપણ જાતની સત્તાવાર મંજૂરી વિના, જેસીબી અને ટ્રેક્ટર જેવા ભારે વાહનો ખડકીને દિવસ-રાત માટી ખોદીને વેચી મારવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. પશુઓના ચરિયાણ માટેની અનામત ગોચર ભૂમિ આજે ભૂ-માફિયાઓની મનમાનીને કારણે ઉબડ-ખાબડ અને મસમોટા ખાડાઓમાં ફેરવાઈ ગઈ છે, જેનાથી સ્થાનિક પર્યાવરણને પણ અતિશય નુકસાન પહોંચ્યું છે.

ખાણ-ખનીજ વિભાગ કુંભકર્ણની નિદ્રામાં: મૌન પાછળ વહીવટી મિલીભગતની ગંધ ?

આશ્ચર્યની વાત એ છે કે, આટલા મોટા પાયે બેરોકટોક ચાલી રહેલા ગેરકાયદેસર ખનનની જાણ સ્થાનિક વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગને હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.? ગ્રામજનોમાં ચર્ચા છે કે, શું અધિકારીઓ કોઈ મોટા દબાણ હેઠળ છે કે પછી ભૂ-માફિયાઓ સાથે આર્થિક સાંઠગાંઠ ધરાવે છે? જો સામાન્ય નાગરિક એક તગારું માટી ઉપાડે તો દંડ ફટકારતું તંત્ર, અહીં આખેઆખી સરકારી જમીન ખોદાઈ રહી હોવા છતાં કેમ મૌન છે?


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here