ડાંગ: ડાંગ જિલ્લામાં વર્ષ 2020 થી 2024 દરમિયાન કરવામાં આવેલા અંદાજે 80 જેટલા બિનખેતી (NA) હુકમોમાં મોટા પાયે શરતભંગ અને ગેરકાયદેસર બાંધકામો થયા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ બાબતે અગાઉ ઓગસ્ટ 2025 માં જિલ્લા કલેક્ટરને લેખિત જાણ કરવા છતાં, જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા વહીવટી પારદર્શિતા સામે પ્રશ્નો ઉભા થયા છે.

​તપાસમાં વિલંબ: ગત તારીખ 30/08/2025 ના રોજ કરવામાં આવેલી ફરિયાદ બાદ, કલેક્ટર કચેરી દ્વારા ડિસેમ્બર 2025માં જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારબાદ DDO દ્વારા જાન્યુઆરી 2026માં સુબીર, વઘઈ અને આહવાના તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ને આદેશો આપ્યા હોવા છતાં આજ દિન સુધી સ્થળ પર કોઈ કાર્યવાહી થઈ નથી.

​ગેરકાયદેસર બાંધકામોનો રાફડો: આક્ષેપ મુજબ, NA થયેલી જગ્યાઓ પર જરૂરી મંજૂરીઓ લીધા વિના જ મોટા રિસોર્ટ, હોટલો અને ગેમિંગ ઝોન ઉભા કરી દેવામાં આવ્યા છે. અનેક રિસોર્ટ અને હોટલોમાં મનોરંજન પ્રવૃત્તિઓ (Activities) ચાલી રહી છે, જેના માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી કોઈ જ કાયદેસરની પરવાનગી લેવામાં આવી નથી. કોઈપણ જાતના પ્લાન પાસ કરાવ્યા વગર કે ફાયર સેફ્ટીના નિયમોના પાલન વગર ધમધમતા આ એકમોમાં જો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થશે, તો તેનો જવાબદાર કોણ? તેવો અણીયારો પ્રશ્ન અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે.

લોકની માંગણીઓ:
1. શરતભંગ કરનાર અને પરવાનગી વગર બાંધકામ કરનાર તમામ મિલકતોને તાત્કાલિક ધોરણે સીલ (Seal) કરવામાં આવે.
2. ગેરકાયદેસર ચાલતી મનોરંજન પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવી કાયદેસરના પગલાં લેવામાં આવે.
3. તપાસમાં જાણીજોઈને વિલંબ કરનાર અને ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક તપાસ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે.

​સ્થાનિક જાગૃત નાગરિકોમાં એવી પણ ચર્ચા છે કે જો તંત્ર દ્વારા ટૂંક સમયમાં યોગ્ય તપાસ કરી ગેરકાયદેસર બાંધકામો સામે હથોડો વીંઝવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ મામલો ઉચ્ચ કક્ષાએ અથવા ન્યાયિક પ્રક્રિયા સુધી પહોંચી શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here