બારડોલી: આજરોજ બારડોલી નજીક આવેલા ઉવા ગામ પાસે બારડોલી-નવસારી હાઈવે પર સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન (MSRTC)ની બસમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ૫થી વધુ વ્યક્તિઓના મોત થયાની આશંકા છે અને અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
Decision News ને પ્રાથમિક માહિતી અનુસાર, હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયો હતો. તેને બચાવવા જતાં મહારાષ્ટ્ર ST બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો. બસ ડિવાઈડર ક્રોસ કરીને રોંગ સાઈડમાં આવી ગઈ અને સામેથી આવતી બીજી મહારાષ્ટ્ર ST બસ સાથે જોરદાર અથડામણ થઈ. અથડામણ એટલી ભયાનક હતી કે CNG બસમાં તરત જ આગ ભભૂકી ઊઠી.
અકસ્માત સ્થળે અફરાતફરી: બસમાં આગ ફાટી નીકળતાં મુસાફરોમાં ભારે હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તુરંત સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા સાથે ફસાયેલા મુસાફરોને બચાવવાની કામગીરી શરૂ કરી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
તપાસ શરૂ: આ અકસ્માતમાં મૃત્યુ અને ઇજાઓની સંખ્યા અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. બારડોલી પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણો જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.











