વદેશિયા: વર્ષોથી વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો અને દૈનિક મુસાફરોને મુખ્ય બસ સ્ટોપ સુધી અંદાજે 1 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું, જેના કારણે તેઓને રોજિંદા જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. વદેશિયા ગ્રામ પંચાયતે ગામના GEB ફળિયા અને જોડખા ફળિયાના રહેવાસીઓની લાંબા સમયથી ચાલતી મુશ્કેલીને ધ્યાનમાં લઈને એક સકારાત્મક પહેલ કરી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ લોક સમસ્યાના નિવારણ માટે વદેશીયા ગ્રામ પંચાયતે અગાઉ અનેક વખત સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆતો કરી હતી, પરંતુ કાયમી ઉકેલ ન મળતાં હવે ગ્રામજનોના સહયોગથી ‘વિનંતી બસ સ્ટોપ’ની વ્યવસ્થા કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ પહેલથી સ્થાનિક લોકોને બસ પકડવા માટે લાંબો રસ્તો ચાલવાની જરૂરિયાત ઓછી થશે. ગ્રામ પંચાયતે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થા કોઈ નિયમનો ભંગ કરવા માટે નથી, પરંતુ વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વડીલોને પડતી વાસ્તવિક મુશ્કેલીને તાત્કાલિક આધારે હળવી કરવાનો પ્રયાસ છે.
પંચાયતે વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને આ સ્થળે નિયમિત, સુરક્ષિત અને કાયમી બસ સ્ટોપની સુવિધા ઊભી કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવશે. સ્થાનિક લોકોએ આ પહેલનું સ્વાગત કર્યું છે અને ગ્રામ પંચાયતના આ પગલાને પ્રશંસનીય ગણાવ્યું છે. આ વ્યવસ્થા અમલમાં આવ્યા પછી ખાસ કરીને વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોને ઘણી રાહત મળવાની અપેક્ષા છે. વદેશિયા ગ્રામ પંચાયતની આ પહેલ ગ્રામીણ વિસ્તારમાં ઉત્તમ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે.











