ઉમરપાડા: ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારમાં આવેલી સરકારી જંગલ જમીન પર વન વિભાગ ગેરકાયદેસર કબજો કરવાના પ્રયાસો સામે સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવી વસાહત વિસ્તારના 10 થી વધુ ગામોના સરપંચો, આગેવાનો અને ગ્રામજનોએ એકજૂથ થઈને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના હલગામ પાટી વિસ્તારના કેટલાક લોકો સામે કડક કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે.
સ્થાનિકોના કહેવા મુજબ, કેટલાક અસામાજિક તત્વો સરકારી નિયમોને ધ્યાનમાં લીધા વગર જંગલને નુકસાન પહોંચાડીને સરકારી જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ પણ આવા પ્રયાસોને વન વિભાગે નિષ્ફળ બનાવ્યા હતા અને કબજો હટાવીને ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું તેમજ જમીન તરફના રસ્તાઓને બંધ કરી દીધા હતા. છતાં ફરીથી આવા પ્રયાસો થઈ રહ્યા હોવાની માહિતીથી સ્થાનિક આદિવાસીઓમાં ચિંતા અને આક્રોશ વધ્યો છે.
વડગામના સરપંચ જીવણભાઈ વસાવાએ જણાવ્યું કે, “અમારા આદિવાસી પરિવારોનો જીવનનિર્વાહ મુખ્યત્વે પશુપાલન પર આધારિત છે. અમે જંગલમાંથી ઘાસચારો મેળવીને પશુઓનું પાલન કરીએ છીએ. જો જંગલ જમીન પર ગેરકાયદેસર કબજો થશે તો અમારા હજારો પરિવારોના જીવન પર ગંભીર અસર પડશે. બીજા તાલુકાના લોકોને અમારા જંગલનો કોઈ અધિકાર નથી.”
સ્થાનિક આગેવાનોએ સરકાર અને વન વિભાગને આ જંગલ જમીનની સતત દેખરેખ રાખવા અને ગેરકાયદેસર કબજાના પ્રયાસો કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. આદિવાસીઓનું કહેવું છે કે તેઓ પોતાના જંગલ અને સરકારી જમીનની સુરક્ષા માટે કોઈ પણ કિંમતે સંઘર્ષ કરવા તૈયાર છે.











