વાંસદા: આજરોજ વાંસદા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર કૃણાલ પટેલને તાલુકા પંચાયતના પાર્કિંગમાં ફરિયાદી પાસેથી 16,000ની લાંચ લેતા વલસાડ ACB ના રંગેહાથ ઝડપાયાની માહિતીનું ભારે ચર્ચાનું વંટોળ ઉઠયું છે.
Decision News ને મળેલી જાણકરી મુજબ એન્જિનિયર કૃણાલ પટેલે એક ક્રિકેટ ગ્રાઉન્ડના બિલ પાસ કરવા માટે આ લાંચની માંગણી કરી હતી. ACBની ટીમે આરોપીની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જાગૃત નાગરિકે ટ્રાયબલ સબ પ્લાન (TSP) યોજના હેઠળ વર્ષ 2025માં ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરાવ્યું હતું. આ કામનું 4,61,694/-નું બિલ ડિસેમ્બર 2025માં વાંસદા તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં મંજૂરી માટે મોકલાયું હતું, જે ફેબ્રુઆરી 2026માં મંજૂર થયું હતું. બાંધકામ શાખાના વર્ગ-3ના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (SO) કૃણાલ પટેલે મંજૂર થયેલા બિલના 5 ટકા લેખે પ્રથમ 23,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી અને એન્જિનિયર વચ્ચેની રકઝક બાદ 16,000 આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. આ ફરિયાદના આધારે વલસાડ એસીબી પી.આઈ. જે.આર. ગામીત અને તેમની ટીમે આજરોજ વાંસદા તાલુકા પંચાયત કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. આયોજન મુજબ, ફરિયાદી જ્યારે લાંચના નાણાં આપવા પહોંચ્યા, ત્યારે આરોપી કૃણાલ પટેલે તાલુકા પંચાયત કચેરીના પાર્કિંગમાં જ ફરિયાદી સાથે વાતચીત કરી 16,000ની લાંચ સ્વીકારી હતી. નાણાં સ્વીકારતાની સાથે જ વોચમાં રહેલી ACB ની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો અને લાંચની રકમ રિકવર કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી સુરત એસીબી એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ અને વડોદરા ACBના ઇન્ચાર્જ નાયબ નિયામક બી.એમ.પટેલના માર્ગદર્શનમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.











