વાંસદા: બાળકોના ચહેરા પરનું નિર્દોષ સ્મિત જ સમાજની સાચી ખુશી છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવતો નાનકડો પ્રયાસ પણ તેમના જીવનમાં મોટી ખુશીનું કારણ બની શકે છે. આ જ સેવાભાવને સાર્થક કરતી એક સુંદર પહેલ વાંસદા તાલુકાના માનકુનિયા ગામે હાથ ધરવામાં આવી હતી.
માનકુનિયા ગામની પટેલ ડુંગરી, ખોરા અને બારી ફળિયા સહિતના વિસ્તારોમાં આવેલી કુલ ચાર આંગણવાડીઓમાં અભ્યાસ કરતા આશરે 150 જેટલાં બાળકોને દાતા ભાવિક સોનીના સૌજન્યથી બિસ્કિટ અને મીની કલરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પી.આઈ. કિરણ પાડવી તથા દાતા ભાવિક સોનીના હસ્તે યોજાયો હતો. બિસ્કિટ અને કલર મળતાં બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે પી.આઈ. કિરણ પાડવીએ જણાવ્યું હતું કે, “બાળકો એ દેશનું ભવિષ્ય છે. તેમના ચહેરા પરનું નિર્દોષ સ્મિત આપણને જીવનની સૌથી સુંદર ખુશીનો અહેસાસ કરાવે છે. સેવા એ માત્ર દાન નથી, પરંતુ કોઈના ચહેરા પર સ્મિત લાવવાનો નિઃસ્વાર્થી પ્રયાસ છે. દાતા ભાવિક સોની દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ પ્રશંસનીય છે અને સમાજના દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ બાળકોના વિકાસ માટે આગળ આવવું જોઈએ.”
દાતા ભાવિક સોનીએ પોતાનો ભાવ વ્યક્ત કરતા જણાવ્યું કે, “બાળકોના ચહેરા પર ખુશી જોવા મળે તેનાથી વિશેષ સંતોષ બીજો કોઈ નથી. સમાજે આપણને ઘણું આપ્યું છે, ત્યારે બાળકોના પ્રોત્સાહન અને ખુશી માટે યથાશક્તિ યોગદાન આપવું એ આપણી સામાજિક જવાબદારી છે.”
ગામના આગેવાન જયંતીભાઈ બિરારીએ આ પ્રવૃત્તિને બિરદાવતા કહ્યું હતું કે, આવા હૃદયસ્પર્શી પ્રયાસો બાળકોને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં એકબીજા પ્રત્યેની લાગણી તથા સહકારની ભાવનાને મજબૂત બનાવે છે. આ પ્રસંગે ગામનાં સરપંચ રીનાબેન, આગેવાન જયંતીભાઈ બિરારી, સભ્ય દીપકભાઈ, સુનિલભાઈ, ટ્રેકર દિવ્યેશભાઈ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમે સાબિત કર્યું કે સમાજની સાચી સમૃદ્ધિ નિર્દોષ બાળકોના ચહેરા પરના સ્મિતમાં જ વસે છે.











