વાંસદા: ભીનાર ગામમાં માત્ર ત્રણ વર્ષના માસૂમ બાળક આરવ પર દીપડાના હુમલા બાદ તેનું કરુણ મૃત્યુ થતાં સમગ્ર વાંસદા અને ડાંગ વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાળી ડિબ છવાઈ ગઈ છે. પોતાની નજર સામે જ માસૂમ બાળકને ગુમાવી દેનાર માતા અને પરિવારજનોના આક્રંદથી આખો વિસ્તાર ગમગીન બની ગયો છે.
આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સરકાર દ્વારા પીડિત પરિવારને 10 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે તાત્કાલિક સહાય પૂરી પાડવા બદલ સરકાર અને વન વિભાગનો આભાર માનવામાં આવ્યો હતો, પરંતુ તેની સાથે જ લોકપ્રતિનિધિઓ અને સ્થાનિકો દ્વારા ગંભીર સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે.
અનંત પટેલે આ મુદ્દે ભારે દુઃખ વ્યક્ત કરતા જણાવાયું હતું કે, “શું 10 લાખની રકમથી માતાનો ખોવાયેલો દીકરો પાછો આવી શકશે? કે પછી આ રકમથી પરિવારનું અસહ્ય દુઃખ ઓછું થઈ જશે? ક્યારેય નહીં.” વન વિભાગ અને સરકારને સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે આ ઘટનાને માત્ર વળતર આપીને પૂરી થયેલી ગણવામાં ન આવે.
માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવવા કાયમી ઉકેલની માંગ
વાંસદા અને સમગ્ર ડાંગ ક્ષેત્રમાં સતત વધી રહેલા માનવ-વન્યજીવ સંઘર્ષને કાયમી ધોરણે રોકવા માટે વૈજ્ઞાનિક અને અસરકારક પગલાં ભરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે: સતત પેટ્રોલિંગ: દીપડાની વધુ અવરજવર વાળા સંવેદનશીલ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા રાત-દિવસ સતત ગસ્ત/પેટ્રોલિંગ કરવામાં આવે. ટ્રેપિંગ અને સીસીટીવી: જરૂરી સ્થળોએ કેમેરા ગોઠવીને દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવે અને પાંજરા મૂકીને તેને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે. ગામોમાં સુરક્ષા: ગ્રામીણ વિસ્તારોમાં પૂરતી લાઇટિંગ (સ્ટ્રીટ લાઇટ્સ)ની વ્યવસ્થા કરવામાં આવે જેથી રાત્રિના સમયે બાળકો અને ગ્રામજનો સુરક્ષિત રહી શકે. આ ઘટનાને માત્ર એક સામાન્ય અકસ્માત નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે એક ગંભીર ચેતવણી સમજીને તાત્કાલિક કડક પગલાં લેવા આહ્વાન કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પરિવારે પોતાનો ‘આરવ’ ગુમાવવો ન પડે.











