ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક ભયાનક અને હૃદયવિદારક ઘટના સામે આવી છે. એક જ પરિવારમાંથી ૯ માસના જુડવા બાળકો અને ૨ વર્ષની બાળકીના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટીનું વાતાવરણ છવાઈ ગયું છે.
Decision News ને મળેલી ઘટનાની વિગતો અનુસાર, રાત્રે પતિ અને સાસરિયા પક્ષ વચ્ચે પત્નીના અનૈતિક સંબંધો અંગે ઉગ્ર બબાલ થઈ હતી. આ બબાલ બાદ સવારે જ્યારે ઘરના સભ્યો ઊઠ્યા ત્યારે ત્રણેય નાનાં બાળકોના મૃતદેહ ઘરમાં જ મળી આવ્યા. બાળકોની માતા પણ શંકાસ્પદ પ્રવાહી પીધેલી હાલતમાં મળી આવી હતી, જેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે અને તેની હાલત ગંભીર છે. પતિ તથા સાસરિયા પરિવારે માતા પર બાળકોની હત્યા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેઓ આરોપ કરે છે કે અનૈતિક સંબંધોને કારણે તેણે આ દારુણ કૃત્ય કર્યું હોઈ શકે છે.
વાપી Dysp જે.કે. પટેલ અને સરીગામ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પતિના નિવેદન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે હજુ સુધી કોઈ વ્યક્તિને અટકાયતમાં લીધો નથી, પરંતુ આ કેસને અત્યંત ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ આખા ઉમરગામ તાલુકામાં ભારે આઘાત અને રોષ જગાવ્યો છે. સ્થાનિકો કૌટુંબિક કંકાસને કારણે માસૂમોનો ભોગ લેવાયો હોય તેવી શંકા વ્યક્ત કરી રહ્યા છે.











