ધરમપુર: છેલ્લાં ત્રણ દિવસથી રાજચંદ્ર ટ્રસ્ટ સંચાલિત રાજ ઉપહાર કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન મળતાં આકસ્મિક હડતાળ પાડી છે. સોમવારે રોષે ભરાયેલી મહિલાઓએ ધરમપુર પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત આપીને પોતાની ફરિયાદોની વિગતે જાણ કરી હતી.

રજૂઆતમાં મહિલા કર્મચારીઓએ જણાવ્યું છે કે કંપની તરફથી પગાર સ્લીપમાં દર્શાવેલા પગાર કરતાં ઓછી રકમ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત તેઓ જે વિભાગમાં કામ કરે છે ત્યાં બેસવા માટે સ્ટૂલની પણ વ્યવસ્થા નથી, જ્યારે અન્ય વિભાગોમાં ટેબલ-ખુરશીની સુવિધા ઉપલબ્ધ છે.

મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે અન્ય વિભાગોમાં મહિલાઓને માત્ર સુપરવિઝનનું જ કામ સોંપવામાં આવે છે, જ્યારે તેઓએ સુપરવિઝન સાથે અન્ય શારીરિક કામ પણ કરવા પડે છે. વધુમાં, કંપનીના સંચાલક સપનાબેને તબિયત ખરાબ હોય તેવી મહિલા કર્મચારીઓને લીંબુ પાણી આપવાની ખાતરી આપી હતી, પરંતુ હાલમાં તેમને ઘરે મોકલી દેવામાં આવે છે. એક સમયે કંપની તરફથી જમવાનું આપવામાં આવતું હતું, જેના બદલે પગારમાંથી રૂ. 2200 કપાતા હતા (પ્રતિ દિવસ રૂ. ૮૦ પ્રતિ ડીશ). પાછળથી કર્મચારીઓને ઘરેથી ટિફિન લાવવાનું કહેવામાં આવ્યું અને તેના બદલે પગાર વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મહિલાઓના કહેવા મુજબ આ વચન પણ પાળવામાં આવ્યું નથી.

રાજચંદ્ર ટ્રસ્ટ સંચાલિત આ કંપનીમાં મહિલા કર્મચારીઓની આ હડતાળને કારણે કામકાજ પર અસર પડી છે. ત્યારે હજુ પણ મહિલાઓ ન્યાય માટે તરસી રહી છે અને આ ઘટનામાં હજુ સુધી ધારાસભ્ય અરવિંદ પટેલ એક પણ શબ્દ બોલ્યા વગર ચુપકેદી સેવી રહ્યા છે તેનું કારણ શું છે તે સમજાતું નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here