ધરમપુર: ગતરોજ ધરમપુરના ડિવિઝન અને તેની અંતર્ગત આવતી તમામ સબ-ડિવિઝન કચેરીઓમાં વાઉચર આધારિત કરાર પર ચાલતા વાહનોના માલિકો અને કોન્ટ્રાક્ટરોએ વણઉકેલાયેલા પ્રશ્નોને કારણે સામૂહિક હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આ હડતાલને પગલે ધરમપુર-૧, ધરમપુર-૨, સુધારપાડા, કપરાડા, અને નાનાપોંઢા જેવા સબ-ડિવિઝન વિસ્તારોમાં સરકારી સેવાઓ તેમજ ફીલ્ડવર્કની કામગીરી ખોરવાઈ ગઈ છે.
લાંબા સમયથી ચૂકવણું ન થતા રોષ
Decision News ને પ્રાપ્ત વિગતો અનુસાર, આ વિસ્તારોમાં ગ્રાહકોની ફરિયાદોના ત્વરિત નિવારણ અને ફીડર ફોલ્ટ અટેન્ડ કરવા જેવી તાકીદની કામગીરીઓ માટે વાઉચર સિસ્ટમ પર ગાડીઓ રાખવામાં આવી છે. જો કે, છેલ્લા ૪ થી ૫ મહિનાથી આ ગાડીઓના માલિકોને તેમના હકના નાણાં ચૂકવવામાં આવ્યા નથી. લાંબા સમયથી બિલ પાસ ન થવાને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા વાહન માલિકો અને અન્ય કોન્ટ્રાક્ટરો આખરે કંટાળીને હડતાલ પર ઉતરી જવા મજબૂર બન્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ધરમપુર ડિવિઝન કચેરીમાં તાજેતરમાં જ નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ વહીવટી ફેરફાર બાદ બિલ મંજૂરીની પ્રક્રિયામાં ભારે વિલંબ (ખોટી ગૂંચવણો) થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સમયસર બીલો પાસ ન થતાં પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે વાહન ચાલકો માટે ગાડીઓ ચાલુ રાખવી અશક્ય બની ગઈ હતી.
આ હડતાલના કારણે ગ્રાહકોની ફરિયાદોનું સમયસર નિવારણ થતું નથી, જેના લીધે સામાન્ય જનતાએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્રના નબળા અને અંધેર વહીવટના કારણે ગ્રાહકો અને ગાડીના માલિકો બંને હેરાન થઈ રહ્યા છે. ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે ઉચ્ચ અધિકારીઓ આ ગંભીર સમસ્યા પ્રત્યે ક્યારે જાગશે? શું વહીવટી તંત્ર દ્વારા આ હડતાલનો સુખદ અંત લાવવા અને ગ્રાહકોની હાલાકી દૂર કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવશે કે કેમ, તે જોવું રહ્યું.











