અરેઠ/માંડવી/માંગરોળ/ઉમરપાડા: ગતરોજ અરેઠ, માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના કામદારોને પોલીસ દ્વારા થતી હેરાનગતિ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કામદારોના જણાવ્યા મુજબ તડકેશ્વર, કરંજ અને કિમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થાનિક યુવક-યુવતીઓ મહેનત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
આવેદનમાં જણાવાયું છે કે કામદારો પાસે પોતાના વાહનો ન હોવાથી તેઓ ઇકો ગાડીઓ ભાડે રાખી સામૂહિક રીતે કંપનીઓમાં કામ પર જાય છે. પરંતુ નરોલી અને તડકેશ્વર ચોકડી પાસે સ્થાનિક પોલીસ દ્વારા ગાડીઓ રોકી મજૂરો અને વાહનચાલકોને હેરાન કરવામાં આવે છે તેમજ ટ્રાફિક મેમો આપ્યા વગર રૂપિયા ઉઘરાવવામાં આવતાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
કામદારોનું કહેવું છે કે ગેરકાયદેસર ખનિજ ચોરી કરતા ડમ્પરો તથા દારૂ-આંકડાના ગેરકાયદેસર ધંધાઓ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ રોજિંદી મહેનત કરીને જીવન નિર્વાહ કરતા મજૂરોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. રોજના ૨૦૦થી ૫૦૦ રૂપિયા કમાતા મજૂરો માટે આ સ્થિતિ ગંભીર હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
આ મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કામદારોએ મામલતદારને આવેદન આપ્યું છે. સાથે જ તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે જનઆંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આવેદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કામદારો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બલ્લુભાઈ ચૌધરી (તાલુકા પંચાયત સભ્ય), સરપંચ વદેશિયા મિતલ વિલાસભાઈ ચૌધરી, અખિલ ચૌધરી, દિવ્યેશ ચૌધરી, જીમ્મી ગામીત સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા.











